હાલાર પંથકની મગફળી ખરીદવા છેક તામિલનાડુથી વેપારીઓ આવે છે હાપા યાર્ડમાં
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા વાહનોની લાંબી કતાર લગાવી છે, અને બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડ માં આવે છે, અને યાર્ડની બહાર આશરે 800થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો, બોલેરો, ટ્રેકટર, રિક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ છે.
ખેડૂતો પોતાના વાહનો લઈને 24થી 48 કલાક સુધી મગફળીના વેચાણ માટે કતાર બંધ રાહમાં ઊભા રહે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવે છે, જે ટોકરના આધારે ખેડૂતો ક્રમશઃ પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા પછી તેની હરાજીની પ્રક્રિયા થાય છે.
હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો જામનગર અને સૌરાષ્ટ્રમાંથી આવે છે, એટલું જ માત્ર નહીં પરંતુ હાલાર પંથકની મગફળીની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવતા હોય છે, જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા યાર્ડમાં મગફળીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી ખેડૂતો પણ આકર્ષાય છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી, અમરેલી વિસ્તારના જુદાજુદા તાલુકા મથકોમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે વાહનોની મોટી કતાર લાગી ગઈ છે.
લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ આજે સોમવારથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે, જેના કારણે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક, 900 જેટલાં વાહનોમાં 80 હજાર ગુણી આવી
આ પણ વાંચોઃ આજથી ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી શરૂ થશે, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ