મગફળીમાં ઝેરીલી ફુગ અફલાટોક્સિનનું પ્રમાણ વધુ રહેતાં ચાલું વર્ષે દાણાની નિકાસ પર અસર
- જોઈએ તેવી માત્રામાં એક્સપોર્ટ ન થતાં ભાવ દબાઈ ગયા
- પાથરા પર પડેલા વરસાદના કારણે અફલાટોક્સીન નામનું ઝેર હોવાથી દરિયાઈ વિસ્તાર સિવાયની મગફળી વિદેશમાં ફેઈલ
જૂનાગઢ | સૌરાષ્ટ્રમાં અને તેમાંય સોરઠમાં મગફળી મુખ્ય પાક છે. ચોમાસાની સિઝનમાં સોરઠની મોટાભાગની જમીનમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. મગફળીમાં આ વખતે બજાર ભાવ સારા ન રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સારા ભાવ નહી રહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સિંગદાણાની નિકાસમાં મોટો ઘટાડો થયો છે, અને સિંગદાણાની નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ અફલાટોક્સિન હોવાનું કૃષિ વૈજ્ઞાાનિકના સંશોધનમાં સામે આવ્યું છે. રેતાળ સિવાયની તમામ જમીનમાં તૈયાર થતી મોટાભાગની મગફળીમાં તેની અસર થઈ છે. પાછોતરા વરસાદના કારણે તથા પાથરા પર પડેલા વરસાદના કારણે આ વખતે મગફળીના પાકમાં ફુગનું વધુ પ્રમાણ જોવા મળે છે.
મગફળી મોટાભાગે યુરોપ કન્ટ્રીમાં નિકાસ થાય છે, ત્યાંના નિયમો કડક હોવાથી દરિયાઈ વિસ્તાર સિવાયની મગફળી અફલાટોક્સિનના કારણે રિજેક્ટ થાય છે. અફલાટોક્સિનનનું પ્રમાણ ટુપીપીબી એટલે કે પાર્ટસ પર બિલીયન હોય- દાખલા તરીકે બે કરોડ મગફળીના ડોડવા નિકાસ કર્યા હોય અને તેમાં એક જ ડોડવામાં અફલાટોક્સીનનો ચેપ જોવા મળે તો પણ સંપૂર્ણ જથ્થો રિજેક્ટ થાય છે.
આ વર્ષે લાંબો સમય સુધી અને ભારે વરસાદના કારણે દર વખત કરતા આ વખતે મગફળીમાં અફલાટોક્સીન વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિથી નિકાસ પર મોટી અસર થઈ છે. નિકાસ નહી થવાથી મગફળીના ભાવ દબાઈ ગયા છે. જો નિકાસ શરૂ રહી હોત તો મગફળીના બજાર ભાવ સારા રહે તેમ હતા.
મગફળીમાં અફલાટોક્સીનના કારણે તેની ગુણવત્તા અને ભાવમાં મોટો તફાવત આવે છે. જેના લીધે એક્સપોર્ટમાં મોટી બાધા ઉભી થાય છે. અફલાટોક્સીન એવા પ્રકારનું ઝેર છે કે મગફળીમાં એક ખાસ પ્રકારની ફુગનો ચેપ લાગે છે એટલે તેમાં ટોક્સીન એટલે કે ઝેર ઉત્પન્ન થાય છે તેને અફલાટોક્સીન કહેવાય છે. આવી મગફળી ખાવાથી તેનું ઝેર પેટમાં જમા થાય છે અને તેમાંથી કેન્સર જેવા ભયંકર રોગ થાય છે.
મગફળીમાં આ ઝેર કેવી રીતે આવે છે તે અંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, મગફળી તૈયાર થઈ ગયા બાદ તેને કાઢવામાં આવે ત્યારે ડોડવા ન તૂટે તે માટે તેને રાપ મારીને કાઢવામાં આવે છે. રાપ મારવામાં આવે ત્યારે મગફળીના ડોડવા ડેમેજ થાય છે. મગફળીના પાથરા ડોડવા નીચેના ભાગે એટલે કે જમીન પર રાખવામાં ત્યારબાદ તેમાં હવાની સહેલાઈથી અવર-જવર થાય, ભેજના સંપર્કમાં આવે, તેના પર માવઠા કે કમોસમી વરસાદ પડે તો જમીનમાં રહેલી ફુગનો ચેપ મગફળીમાં લાગે છે અને તેમાંથી ધીરે-ધીરે અફલાટોક્સિન ઉત્પન્ન થવા લાગે છે.
અફલાટોક્સીનથી બચવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે કે, મગફળી ઉપાડી લીધા બાદ તેના પાથરા બનાવવાના થાય ત્યારે પાથરા ઉંધા રાખવાના, ડોડવા ઉપરની સાઈડ આવે અને પાંદડા નીચેની સાઈડ રહે તેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે તો આ ફુગથી મગફળીને બચાવી શકાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારની મધ્યમ, કાળી, ગોરાળુ જમીનમાંથી મગફળી ઉપાડતી વખતે ડોડવા ડેમેજ થાય છે ત્યારબાદ તેમાં અફલાટોક્સીન ઉત્પન્ન થાય છે તેવું પરીક્ષણમાં સામે આવ્યું છે. જ્યારે કચ્છ તથા દરિયાઈ વિસ્તારમાં રેતાળ જમીનમાં આવી સ્થિતિ થતી નથી.