તેલિયા રાજા ખેલે ન ખેલે તો ગૃહિણીઓને વાજબી ભાવે સીંગતેલ મળશે

તેલિયા રાજા ખેલે ન ખેલે તો ગૃહિણીઓને વાજબી ભાવે સીંગતેલ મળશે
  • ગુજરાતમાં આ વર્ષે મગફળીનો 58.04 લાખ ટન વિક્રમી પાક
  • ખેડૂતોને ટેકાના ભાવની આસપાસ ભાવ મળી જતા હોઈ માર્કેટ યાર્ડમાં નવરાત્રિમાં મગફળીના ઢગલા થવા માંડયા

રાજકોટ : ગુજરાતમાં ખરીફ ઋતુ-2024-25ના કૃષિ ઉત્પાદનના જાહેર થયેલા પ્રથમ અંદાજ મૂજબ ગુજરાતમાં તાજેતરમાં પૂરા થયેલા ચોમાસાની ઋતુ દરમિયાન 19,17,740 હેક્ટરમાં મગફળીના બીજ રોપાયા હતા જેને પગલે રાજ્યમાં 58,0૩,680 એટલે કે વિક્રમ સર્જક 58 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થયું છે.

ગત વર્ષે ગુજરાતમાં ખરીફ ઋતુમાં 45.10 લાખ ટન અને ઉનાળુ ઋતુમાં 1.૩4 લાખ ટન સહિત 46.46 લાખ ટનનું ઉત્પાદન થયું હતું તેના કરતા આ વર્ષે માત્ર ખરીફ ઋતુનું ઉત્પાદન જ 58 લાખ ટનને પાર થયું છે. આ મગફળીમાંથી આશરે 30થી 35 ટકા સિંગતેલ ઉત્પન્ન થતું હોય છે જેના પગલે જો તેલને મોંઘુ કરવાનો મલિન ખેલ ન થાય તો એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સાથે લાખો ગૃહિણીઓને વાજબી ભાવે સીંગતેલ મળવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગત વર્ષ 16.95 લાખ હેક્ટર સામે આ વર્ષે 2 લાખ હેક્ટર કરતા વધુ એરિયામાં મગફળીનું વાવેતર થયું છે અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે અતિ વૃષ્ટિથી ધોવાણને બાદ કરતા એકંદરે મગફળીની પ્રતિ હેક્ટર દીઠ 3000 કિલોથી વધુ ઉપજનો સરકારનો પ્રથમ પ્રગતિશીલ અંદાજ છે. ઉલ્લેખનીય છે કે મગફળી ઉત્પાદનમાં ગુજરાત નં.1 છે અને ગુજરાતના 33 જિલ્લામાં મગફળીના કૂલ વાવેતરમાં 76 ટકા વાવેતર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થાય છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ખેડૂતોને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની આસપાસના ભાવ મળે છે. સાથે યાર્ડમાં લાંબી પ્રક્રિયા વગર જણસીનું તુરંત ચૂકવણુ થતું હોય છે જેના પગલે ખેડૂતોએ માલ ઠાલવવાનું શરુ કર્યું છે. રાજકોટમાં આજે મગફળીની આવક વધીને 6000 ક્વિન્ટલ એટલે કે 30 હજાર મણ થઈ હતી.જે માટે જાડી મગફળીના ભાવ ઓછા, રૂ.900થી 1135 જ્યારે વધુ સારી ગણાતી જીણી મગફળીના પ્રતિ મણ રૂ.1080થી 1431ના ભાવ મળ્યા હતા.

મગફળીના અને તેના પગલે સીંગતેલના સારા ઉત્પાદનને કારણે ગત વર્ષની સાપેક્ષે સીંગતેલના ભાવ હાલ પ્રતિ 15 કિલો ડબ્બાએ આશરે રૂ.400 નીચા છે. જો કે આ ભાવમાં કૃત્રિમ રીતે વધઘટ થાય છે. આજે રૂ.10 વધીને રૂ.2545-2595એ ભાવ પહોંચ્યા હતા. વેપારી સૂત્રો અનુસાર જો સીંગતેલ ગ્રાહકોને વાજબી ભાવે મળતું રહે અને કપાસિયા તેલ, પામ તેલ કે જે હાલ રૂ.2100ને પાર થયા છે તેના ભાવ નીચા ન ઉતરે તો સીંગતેલની માંગ-ખરીદીમાં મોટો વધારો સંભવ છે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો
CATEGORIES
TAGS
Share This