ઇસબગુલનું વાવેતર 3 હજાર હેકટર ઓછું, ભાવની ચિંતાથી ખેડૂતોએ મોં ફેરવ્યું ?
- ગત વર્ષની સરખામણીમાં ઇસબગુલનું વાવેતર 3 હજાર હેકટર ઓછું છે
- રવિ સિઝનમાં કપાસ, ચણા અને ઘઉં જેવા સલામત પાકોની પસંદગી
જીરું અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં વર્તમાન રવિ સિઝન દરમિયાન ઘટાડો થયો છે તેમ ઇસબૂગુલનું પણ વાવેતર ઓછું થયું છે, ઘોડા જીરું તરીકે ઓળખાતું ઇસબગૂલ ખૂબ મહત્વનો ઔષધિપાક છે જેનો ઉપયોગ પાચન સંબંધી બીમારીઓમાં થાય છે. અગાઉના બે વર્ષ દરમિયાન ઇસબગૂલનું વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. સ્ટોકિસ્ટો પાસે જુના માલનો સંગ્રહ જોવા મળતો હોવાથી ભાવમાં સામાન્ય વધઘટ કહી છે પરંતુ તેજીનો તોખાર જોવા મળતો નથી. રાજય સરકારના રવિ વાવેતરના અંતિમ આંકડાઓ મુજબ ગત વર્ષ 30 હજાર હેકટર આસપાસ વાવેતર થયું હતું. આ વર્ષે 27000 હેકટર આસપાસ જણાય છે તે જોતા ઇસબગુલના વાવેતરમાં 3 હજાર હેકટરનો ઘટાડો થયો છે જે કુલ વાવેતરનું 7 થી 8 ટકા ઓછું છે.
રવિ સિઝનના તમામ પાકોની વાવણી અને મોડી વાવણીનો સમય પુરો થઇ ગયો છે તે જોતા ઇસબગુલમાં વધારો થવાની શકયતા નથી. જીરુ અને વરિયાળીની જેમ ઇસબગૂલનું વાવેતર પણ અપેક્ષા મુજબના ભાવ નહી મળવાથી વધુ ખેડૂતો રસ લઇ રહયા નથી. ઇસબગૂલની પણ મોટી તકલીફ હવામાનની હોય છે. વાદળ છાયું વાતાવરણ થાય કે થોડોક વરસાદ પડે તો પાક ઉત્પાદન ધોવાઇ જાય છે. ઇસબગૂલ પાકવા પર હોય ત્યારે જો આકાશમાં વાદળા જોવા મળેતો ખેડૂતો ચિંતામાં પડી જાય છે. ખેડૂતોએ વર્તમાન રવિ સિઝનમાં સલામત પાકો પર પસંદગી ઢોળી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ઇસબગૂલની વિદેશમાં માંગ ઉઠશે તેવા કિસ્સામાં ભાવ વધી શકે છે અન્યથા વધઘટે અથડાતા રહેવાના છે.
જીરુંના મણના ભાવ જયારે ઇસબગુલના કવિન્ટલમાં તોલાય છે. પ્રતિ કિવન્ટલ ભાવ 12000 થી 12500 જેટલા રહયા છે. ગુણવતા પ્રમાણે ભાવોમાં વધઘટ જોવા મળે છે. ભારતમાં ઇસબગુલના વાવેતરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ,છતિસગઢ અને રાજસ્થાન મહત્વના રાજયો છે. ઇસબગુલ એ એક ઓષધીય પાક છે જે કબજ, આંતરડા, પાઇલ્સ, ફિશર, બ્લ્ડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વિગેરે રોગોમાં ઉપયોગી છે. આ પાકનું વાવેતર શિયાળામાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં સારી નિતાર ધરાવતી રેતાળ જમીન અને ગોરાડુંજમીન પર ક્યારા બનાવીને કરવામાં આવે છે. સારા પાકમાં હેક્ટેર દિઠ 700-800 કિલો ઇસબગૂલ મળે છે.