ખેડૂતોનાં નામે યુ.પી.ની મગફળી ટેકાના ભાવે ધાબડી કરોડોનાં કૌભાંડની આશંકા

ખેડૂતોનાં નામે યુ.પી.ની મગફળી ટેકાના ભાવે ધાબડી કરોડોનાં કૌભાંડની આશંકા
  • જૂનાગઢ જિલ્લામાં ભાજપ સંચાલિત 32 મંડળીઓ કરે છે ખરીદી
  • ખેડૂતને કિલોએ અપાતા રૂ.67.50, જ્યારે યુપીમાંથી રૂ.36થી 40ના ભાવની મગફળી ખરીદી કરીને સરકારને પધરાવી દેવાનું કથિત કારસ્તાન
  • ખેડૂતદીઠ સરેરાશ 3290 કિલોની ખરીદી થઈ
  • કથિત કૌભાંડમાં ભાજપના કેટલાક નેતાઓની અંદરખાને ભાગીદારી હોવાની પણ ચર્ચા

જૂનાગઢ | સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની જણસો ખરીદવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તે મોટેભાગે ભાજપના હોદ્દેદારો સંચાલિત મંડળી દ્વારા ખરીદ કરવામાં આવે છે. મગફળી ખરીદીમાં દર વખતે નાના-મોટા કૌભાંડો થાય છે તેવી રીતે આ વખતે પણ ભાજપના અમુક કૌભાંડીઓ દ્વારા સ્થાનિક ખેડૂતને બદલે ખેડૂતના નામે યુપીથી મગફળી લાવી ધાબડી દેવાનું કારસ્તાન શરૂ થયું હોવાનો ગણગણાટ શરૂ થયો છે. સમગ્ર દેશમાં હાલમાં સૌથી સસ્તી મગફળી યુપીમાં મળે છે, જેમાં કિલોએ 2પથી 27 રૂપિયાનો ભાવ ફેર છે.

આ વખતે મગફળીના બજાર ભાવ ઓછા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચી રહ્યા છે. હાલમાં જૂનાગઢ તથા આસપાસના બજારમાં મગફળીના એક કિલોના ભાવ પપ આસપાસ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં એક કિલો મગફળીના ભાવ 36થી 40 છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીમાં એક કિલોના 67.50 રૂપીયા ખેડૂતને ચુકવવામાં આવે છે.

યુપીથી મગફળી લાવવામાં આવે તો કિલોએ 5 રૂપીયા ભાડું તથા 6 રૂપીયા મજુરી ખર્ચ ચડાવવામાં આવે તો પણ ટેકાના ભાવ કરતા એક કિલોએ 17 રૂપીયા જેવો ભાવ ફેર રહે છે. આ વાતની કૌભાંડીઓને સારી એવી જાણ થઈ જતા આ વખતે ટેકાના ભાવની ખરીદીમાં ભાજપના અમુક કૌભાંડીઓએ યુપીથી મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ધાબડી દેવાનું શરૂ કરી દીધુ હોવાનું જાણવા મળે છે.

અગાઉ જૂનાગઢ જીલ્લામાં મગફળીમાં અનેકવાર ટેકાના ભાવની ખરીદીમાં કૌભાંડ થયા હતા. જેના લીધે ટેકાના ભાવની ખરીદીમાં જૂનાગઢ જીલ્લાની છબી ખરડાયેલી છે. આ વખતે પણ આ ટોળકી દ્વારા કૌભાંડની શરૂઆત ઘણા સમયથી કરી દેવામાં આવી હોવાનું ખુદ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નાના કૌભાંડીઓ જે વિસ્તારમાંથી સસ્તી મગફળી મળે ત્યાંથી લાવી ખેડૂતના નામે ટેકાના ભાવે નાખી રહ્યા છે પરંતુ મોટા કૌભાંડીઓએ મોટો જથ્થો યુપીથી લાવી કરોડોની કાળી કમાણી કરવાનું શરૂ કરી દીધુ છે.

અગાઉ જ્યારે મગફળીનું કૌભાંડ થયું હતું ત્યારે ભાજપના જ નેતાઓના નામ ખુલ્યા હતા. જેમાં રાજસ્થાનની મગફળી ખેડૂતોના નામે ટેકાના ભાવમાં ઘુસાડી દીધી હતી, મગફળીને બદલે ધુળ ધાબડી દીધી હતી, મગફળીનો શંકાસ્પદ જથ્થો સળગાવી દીધો હતો આવા અનેક કૌભાંડો ભાજપના આગેવાનોએ કર્યા હતા. આ વખતે પણ અગાઉ કૌભાંડમાં સંડોવાયેલા અને પડદા પાછળ રહેલા આગેવાનો દ્વારા મગફળીની ટેકાના ભાવે અમુક મંડળી મારફત ખરીદીઓનું સંચાલન કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જીલ્લામાં 32 જેટલી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે તમામ મંડળીઓ ભાજપના આગેવાનો સંચાલિત મંડળીઓ છે. જૂનાગઢ જીલ્લામાં તા.17 સુધીમાં 13860 ખેડૂતોની 4.પ3 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ મગફળીની 307 કરોડ રૂપીયા જેવી કિંમત થાય છે.

ઉત્તરપ્રદેશની મગફળીના ઉતારામાં મોટો ફેર
જૂનાગઢ સહિત ગુજરાતની મગફળીમાં ઉતારો કાઢવામાં આવે તો 200 ગ્રામ મગફળીમાંથી 150 ગ્રામ જેટલા દાણા નીકળે છે. જ્યારે યુપીની 200 ગ્રામ મગફળીમાંથી 135થી 136 ગ્રામ જેટલા દાણા નીકળે છે. જેના લીધે યુપીની મગફળીનો ભાવ ઓછો રહે છે. અગાઉ રાજસ્થાનની મગફળી ધાબડી હતી, આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં 20 મણ મગફળીએ માત્ર 200 રૂપિયા ભાવ ફેર હોવાથી યુપીની મગફળી ધાબડવામાં આવી રહી છે.

એક 7/12માં 6પથી 80 હજાર સુધીની કાળી કમાણી
જૂનાગઢ જિલ્લામાં 13,860 ખેડૂતોની અત્યાર સુધીમાં 4.પ3 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. તે મુજબ એક ખેડૂતની એવરેજ 3290 કિલો આસપાસ રહે છે. જ્યારે ટેકાના ભાવે વધુમાં વધુ 3990 કિલો ખરીદવાની હોય છે. કોઈ ખેડૂતની ઓછી જમીન હોય તો તે મુજબ ખરીદી થાય છે.

એક ખેડૂતની વધુમાં વધુ 3990 કિલો મગફળી ખરીદી કરવામાં આવે છે. કિલોએ 17 રૂપિયા ભાવ ફેર ગણવામાં આવે તો એક ખેડૂતના ખાતા મારફત યુપીની મગફળી ધાબડી દેવામાં આવે તો 6પથી 70 હજાર રૂપિયા નફો થાય છે. અનેક લોકો 17 રૂપિયાથી ઓછા ભાવ ફેરે પણ મગફળીની યુપીથી ખરીદી કરી ટેકાના ભાવમાં એક ખેડૂતના ખાતામાં ધાબડી 80થી 90 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ભાજપના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ સુવ્યવસ્થિત આ કૌભાંડ ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ પણ આ કૌભાંડમાં ભાગીદાર હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અગાઉ જ્યારે કૌભાંડ થયા ત્યારે ભીનું સંકેલી લેવાના પ્રયાસો થયા હતા. જો આ વખતે ખરા અર્થમાં સરકાર દ્વારા ખરીદ કરેલી મગફળીની તપાસ કરવામાં આવે તો યુપીની મગફળી નીકળે તેમ છે પરંતુ સરકાર દ્વારા ભાજપના કૌભાંડીઓ સામે કાર્યવાહી થતી નથી તેવું લોકો પણ માની રહ્યા છે.

CATEGORIES
TAGS
Share This