કિચન ગાર્ડન : ઘર આંગણે ખેતી કરવાના આનંદ સાથે લીલાછમ શાકભાજીનો લાભ
કિચન ગાર્ડનીંગએ ઘર આંગણે થતી નાના પાયા પરની ખેતી છે. આ ખેતીનો અનુભવ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવું જરુરી નથી કે મોટા ખેતરોના માલિક ના હોયતો પણ ચાલે છે. ઘરનાં સભ્યો ખાસ કરીને વડીલો કિચન ગાર્ડનની નાની મોટી જવાબદારીઓનું વહન કરીને પોતાને વ્યસ્ત રાખી શકે છે. ખેતીથી સાવ અજાણ હોય તેવા શહેરી લોકો એક્સપર્ટની થોડી મદદ લઈને નાનું કિચન ગાર્ડન તૈયાર કરી શકે છે.
કિચન ગાર્ડનીંગ એ માત્ર પ્રવૃતિ જ નહી તેમાં મહેનતની સાથે આનંદ પણ જોડાયેલો છે. કિચન ગાર્ડનથી ઘરની આજુબાજુનું વાતાવરણ પ્રદૂષણમુકત રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં પછવાડે ખાલી જમીન હોય છે તેમાં પણ કેટલાક શાકભાજી વાવતા હોય છે. શહેરી વિસ્તારોમાં પણ જે સોસાયટી કે ફાર્મ હાઉસ પ્રકારના મકાનોમાં ખુલ્લી સ્પેસ ધરાવતા પરીવારો કિચન ગાર્ડનમાં રસ લઇ શકે છે.
કિચન ગાર્ડન ટેકનીક એટલી બધી આગળ વધી છે કે ફલેટસ તથા ટેનામેન્ટની બારીઓ અથવા તો બાલ્કનીઓમાં કુંડા પધ્ધતિથી ફૂદીનો ,તુલસી, લીલી ચા (લેમન ગ્રાસ) મીઠો લીંમડો વગેરે કુંડામાં વાવીને તાજી વનસ્પતિનો લાભ મેળવી શકે છે. ઓછી જગ્યામાં પણ એક નાના ખૂણામાં કે પછી કિચનની વિન્ડોની બાહરની થોડીક જગ્યામાં પણ શોખ પુરો કરી શકાય છે. રહેઠાણ કે ઘરની આજુબાજુની ફાજલ જમીન, અગાશી કે ધાબુ કે બાલ્કની, ચાલી તેમજ દિવાલો ઉપર કુનેહપૂર્વક શાકભાજીના છોડ કે વેલા ઉગાડી ઉત્પાદન મેળવવાની કળાને કિચન ગાર્ડન અથવા તો ઘર આંગણે નાના પાયે થતી ખેતી કહેવામાં આવે છે.
ભારતમાં પણ લાખો મધ્યમવર્ગી ગરીબ કુટુંબો રહેતા હોવાથી કિચન ગાર્ડનીંગની પ્રવૃતિને મોટો અવકાશ રહેલો છે. ખાસ કરીને મહિલા સંગઠનો અને બચત ગૃપો કિચન ગાર્ડનની ખેતીમાં સક્રિય થઇને ફુરસદનો ઉપયોગ કરવા માંડી છે. ખાસ તો ગામડામાં મહિલાઓ કિચન ગાર્ડન માટે વાડો કે છૂટી જગ્યાનો ઉપયોગ કરે છે. કિચન ગાર્ડનીંગમાં પરિવારના સભ્યો કામ વહેંચી લેતા હોય છે. આથી ઘરમાં એક જીવંત વાતાવરણ ઉભું થાય છે. કિચન ગાર્ડનના માધ્યમથી ઋતુ પ્રમાણે મનપસંદ શાકભાજી થોડી મહેનતથી વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકાય છે.
કિચન ગાર્ડનમાં પોતાની પસંદગી મુજબ ધારો તે શાકભાજી પાકને માફક જમીન અને હવામાન મુજબ ઉગાડી શકાય છે. સારી માવજત આપવાથી સારૂ પરિણામ મળે છે. બજારમાં એવા શાક વધારે મળતા હોય છે જે પ્રમાણમાં સસ્તા હોય. ઘણી વાર ગૃહીણીઓને એવો અનુભવ પણ
થતો રહે છે પહેલા જેવા ગુણવત્તાવાળા શાકભાજી હોતા નથી. આ વાત બિલકુલ સાચી છે કારણ કે વધુ ઉત્પાદન મેળવવા માટે રોગ જીવાતોને નિયંત્રણમાં રાખવા ખેડૂતો શાકભાજીને ઝેરી રાસાયણિક દવાઓનો આડેધડ ઉપયોગ કરતા હોય છે. ખાસ તો ફળ આવે તે સમયે દવાનો છંટકાવ કરવાથી તેની અસર ફળ પર પણ થાય છે.
દરેક પાકની એક ચોકકસ વાવેતરની રીત હોય છે.કોઇનું બીજથી વાવેતર થતું હોય છે.તો કોઇનું કંદ કે પ્રકાંડથી વાવેતર થતું હોય છે. રીંગણ, મરચા, ટામેટા અને કોબીજ, ફ્લાવર વગેરે પાકો માટે આગોતરી રીતે ધરૂ વાડીયામાં ધરૂ એટલે કે રોપ ઉછેરી કે તૈયાર ધરૂ લાવી ફેર રોપણીથી વાવેતર કરી શકાય.શક્કરીયા, બટાટા પરવળ જેવા પાકો માટે વેલા કે તેના કદના ટૂકડા કરી વાવેતર કરી શકાય છે.આ બધી જાણકારી હોવી જરૂરી છે. કિચન ગાર્ડનમાં જે પણ કામો કરો તે રસપુર્વક કરો તો જ મજા આવે છે. વાવણી માટેના પસંદગીના પાકો માટે પ્રમાણિત કરેલા ગુણવત્તાવાળા બીજનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ઋતુ અનુસાર તથા પાકની જરૂરીયાત મુજબ સમયસર વાવેતર કરવાથી નવો કિચન બગીચો તૈયાર થતા વાર લાગતી નથી.
કિચન ગાર્ડનનું આયોજન કેવી રીતે કરશો?
કિચન ગાર્ડન માટે જગ્યાની પસંદગી ખૂબજ મહત્વની બાબત છે. જગ્યાની પસંદ વખતે જમીનની ફળદ્વુપતા, સૂર્ય પ્રકાશની દિશા અને તેનું પ્રમાણ,કિચન ગાર્ડનની જગ્યાનું માપ, વગરે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કિચન ગાર્ડન ઘરની નજીક બનાવવામાં આવે તો દેખરેખ રાખવામાં સરળતા પડે છે. કિચન ગાર્ડન આમ તો શાકભાજી માટે વધુ જાણીતો છે. પરંતુ ફુલોનું ઉત્પાદન લેવા માટે તથા રમણીય વાતાવરણ ઉભું કરવા માટે ફુલોના રોપાઓ ઉછેરવામાં આવે છે.આથી રહેઠાણની પરિસ્થતિને ધ્યાનમાં રાખીને યોગ્ય જગ્યા પસંદ કરવી જોઇએ.
કિચન ગાર્ડન તૈયાર કરવા દાતરડું, પાવડો, કોદાળી, ખુરપી, તગારુ તેમજ પિયત માટે યોગ્ય માપનો પ્લાસ્ટિકના પાઈપ જેવા ઓજારોની જરૂર પડે છે. ઘરની આજુબાજુ જમીન જેટલી ઉપયોગમાં લઇ શકાય તેમ હોય તેને ધ્યાનમાં રાખીને સમ્રગ આયોજન કરવું જરૂરી છે. પરિવારના સભ્યોને મનગમતી શાકભાજી કઇ કઇ છે તેનું પણ ધ્યાન રાખવું જેથી કરીને સૌને આ પ્રવૃતિમાં રસ પડે. કિચન ગાર્ડનના પાકોને પાણી આપ્યા પછી વધારાના પાણીના નિકાલ થઇ શકે તેવી સગવડ ઉભી કરવી જોઈએ. સામાન્ય રીતે જયાં વૃક્ષની છાયા રહેતી હોય ત્યાં કોથમીર, અળવી, મેથી, પાલકની ભાજીનું વાવેતર કરવું હિતાવહ છે. વેલાવાળા શાકભાજી માટે અલગ મંડપ બનાવવાએ પણ મહત્વનું કામ છે.
વેલા ઉગ્યા પછી તે કઇ દિશામાં કેવી રીતે આગળ વધશે તેનો પણ વિચાર કરવો જરૂરી છે. બાગાયતમાં ફળઝાડ અને શાકભાજીના પાકોનો પણ મેળ બેસાડી શકાય. લીંબુ, પપૈયા, સીતાફળ, જામફળ કે દાડમના ફળવૃક્ષો રોપીને તેની વચ્ચે શાકભાજી વાવવાથી ફળ અને શાકભાજી એમ બંનેનો લાભ મળી શકશે. વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે પસંદગીના શાકભાજી નિયમિત મળી રહે તેવું આયોજન કરવું. પૂરતા હવા-ઉજાસ તથા સૂર્યપ્રકાશવાળી ખુલ્લી જગ્યા પસંદ કરવી.
વાડામાં ખાતર માટે નાનો ખાડો તૈયાર કરી શકાય જેમાં વપરાયેલ શાકભાજીનો કચરો, છોડ વૃક્ષના ખરેલા પાંદડા, નકામું ઘાસ વગેરે ઉમેરતા રહીને સજીવ ખાતર તૈયાર કરી શકાય છે. વાડામાં નાનો ખાડો કરી વપરાશ બાદના શાકભાજીના અવશેષો, કચરો, સૂકા પાંદડા વગેરે દાટી દેવા જેથી ભવિષ્યમાં જૈવિક ખાતર મળી રહે છે. કુંડામાં ઉગાડવાના છોડ માટે કાંકરી વગરની પીળી માટી પાથર્યા બાદ જમીન તૈયાર કરવી પડે છે. ઓર્ગેનિક ખાતરથી કુંડાની માટીને ફળદ્રુપ બનાવી શકાય છે. કૂંડામાં રીંગણા, ટમેટા, લીલાં મરચા વગેરે ઉગાડી શકાય છે.
કુંડામાં બીજ કરતા નર્સરીના નાના રોપા વાવવા વધુ હિતાવહ
બહુમાળી મકાનની અગાશી અને ગેલેરીઓના કુંડાઓમાં ફુલછોડ તથા શાકભાજી ઉગાડવું સહજ થઇ ગયું છે. જેની પાસે જમીન નથી તેવા લોકો માટે કુંડામાં છોડ ઉછેરીને પાક ઉગાડવાના શોખને સંતોષવાનો સારો વિકલ્પ મળી રહે છે. કુંડું સારૂ મજબુત માટીનું હોય તે જરૂરી છે. નહીંતર અધ વચ્ચેથી ફાટી જતું હોય છે. હવે તો પ્લાસ્ટીકના કુંડા પણ મળે છે. જો કે ભેજ અને હવામાનની દ્વષ્ટીએ માટીના કુંડા વધારે ઉપયોગી છે. નકામી ડોલ કે ડબ્બા કે માટલુ પણ સારૂ હોય તો તેમાં પણ છોડ ઉછેરી શકાય છે. કુંડામાં છોડ ઉગાડતી વખતે તેને માફક આવતું હવામાન,સૂર્ય પ્રકાશ તથા વાવણીના સમય વગેરે પાસાઓની જાણકારી હોવી જરૂરી છે. કુંડામાં પહેલા ખાતર ભેળવેલી માટીનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ સારો થાય છે. ખાતર છાણિયું કે કુદરતી જૈવિક પ્રકારનું હોય તો વધુ સારૂં ગણાય છે. નર્સરીમાં તૈયાર માટી સાથેના કુંડા અને માટી પણ મળે છે.
કુંડામાં બીજથી વાવણી કરવા કરતા નાના રોપા લાવવા વધુ હિતાવહ છે. કુડામાં છિછરા મુળના કે તંતુમુળ વાળા પાક જ વાવવાથી .તેનો વિકાસ વધુ સારો થાય છે. છોડ ઓછી શાખાઓ તથા ડાળીઓ હોયતો જગ્યા ઓછી રોકે છે અને વૃધ્ધિ પણ સારી થાય છે. આગળ જણાવ્યું તેમ કુંડામાં પાલક, રીંગણા, વટાણા, મરચાં, ડુંગળી, જેવા શાકભાજી ઉગાડવા વધુ સરળ પડે છે. કુંડાની સારસંભાળ રાખવી એ પણ અત્યંત જરુરી છે. કુંડાને જરૂર મુજબ પાણી નિયમિત પાણી આપતા રહેવું, કુંડાનું સ્થળ જયાં શુધ્ધ હવા તથા સુર્યપ્રકાશ મળી રહે તેવું હોવું જરૂરી છે. કુંડામાં એક સ્વતંત્ર એકમ હોવાથી રોગ જીવાત જણાય તો પણ તરત જ તેને નિયંત્રણમાં લાવી શકાય છે. કુંડાને શહેરોમાં ફલેટ કે એપાર્ટમેન્ટની પાળી પર મુકવામાં આવે છે તેનાથી અકસ્માત થવાની શકયતા રહે છે. આથી કુંડુ નાની ગેલેરીમાં જયાં સૂર્ય પ્રકાશ મળી રહેતો હોય ત્યાં નીચે મુકવા જોઇએ. સામાન્ય રીતે ઉનાળુ શાકભાજીના પાકોની વાવણી ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ચોમાસુ પાકોની વાવણી જુન –જુલાઇ માસમાં તથા શિયાળું પાકોની વાવણી ઓકટોબર-નવેમ્બર માસમાં કરવામાં આવે છે.
કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા શાકભાજી
કિચન ગાર્ડનમાં ઋતુ પ્રમાણેના ઘર પ્રમાણે અલગ અલગ પ્રકારના અનેક શકભાજી તથા લાંબા ગાળાના લાભ માટે ફળો વાવી શકાય છે. શિયાળામાં રીંગણ, કોબીજ, ફ્લાવર, ડુંગળી, ટામેટા, બટાટા, શક્કરીયા, વાલોળ, પાપડી તથા મરચા અને ધાણા જેવા પાકોનું ઉત્પાદન લઇ શકાય છે. ઉનાળામાં તમામ પ્રકારના વેલાવાળા શાકભાજી જેવા કે કાકડી, દૂધી, ગલકા, તુરીયા, પરવળ, ગીલોડા જેવા પાકો તેમજ ભાજીપાકો જેવા કે તાંદળજો, પાલક, ધાણા વગેરે જેવા પાકો પણ વાવી શકાય છે. ચોમાસામાં ભીંડા ગુવાર તથા વેલાવાળા પાકો જેવા કે કાકડી, દુધી, ગલકા, તુરીયા, કંકોડા, ગીલોડા અને પરવળ જેવા પાકોનું વાવેતર થઇ શકે છે.
કિચન ગાર્ડન માટે ઉપયોગી શાકભાજીની ખેતી પદ્વતિ
અ,નં | નામ | વાવણી સમય | વાવેતરની રીત |
1 | રીંગણ | ત્રણે ઋતુમાં | ધરૂ ઉછેર કરીને ફેર રોપણી |
2 | મરચાં | ત્રણે ઋતુમાં | ધરૂ ઉછેર કરીને ફેર રોપણી |
3 | ટામેટા | ચોમાસું –શિયાળુ | ધરૂ ઉછેર કરીને ફેર રોપણી |
4 | દૂધી | ચોમાસું –શિયાળુ | ધરૂ ઉછેર કરીને ફેર રોપણી |
5 | કાકડી | ચોમાસું –શિયાળુ | ગોળાકાર ખામણા કરીને |
6 | કારેલા | ચોમાસું –શિયાળુ | ગોળાકાર ખામણા કરીને |
7 | પાપડી વાલોડ | ચોમાસું –શિયાળુ | બી થાણીને |
8 | કોળું | ચોમાસું –શિયાળુ | બી થાણીને |
9 | ગલકાં | ચોમાસું | ગોળાકાર ખામણા કરીને |
10 | તુરીયા | ચોમાસુ | બી થાણીને |
11 | ગુવાર | ચોમાસુ -ઉનાળુ | સપાટ કયારામાં |
12 | ભીંડા | ચોમાસુ -ઉનાળુ | બી થાણીને |
13 | ચોળી | ત્રણે ઋતુમાં | બી થાણીને |
14 | કોબી | શિયાળુ | ધરૂ કરીને ફેર |
15 | ફુલાવર | શિયાળું | રોપણી |
16 | ડુંગળી | શિયાળું | ધરૂ કરીને |
17 | બટાટા | શિયાળું | બટાટાના ટુકડાથી |
18 | લસણ | શિયાળું | કળીઓ રોપીને |
19 | પરવળ | ઉનાળું કે ચોમાસુ | ટુકડો રોપીને |
20 | ટીંડોળા | ઉનાળું કે ચોમાસું | ટુકડો રોપીને |
21 | પાલક | ઉનાળું કે ચોમાસુ | ટુકડો રોપીને |
22 | મુળા | શિયાળું | સપાટ કયારામાં |
23 | ગાજર | શિયાળું | બીજ વાવીને |
24 | બીટ | શિયાળું | બીજ વાવીને |
25 | તાંદળજો | શિયાળું | બીજ વાવીને |
26 | મેથી | શિયાળું | બીજ વાવીને |
27 | ધાણા | શિયાળું | બીજ વાવીને |