સૂકા ચારાના અછતના સમયે ઘઉંના પરાળને પશુઓ માટે પાચ્ય બનાવો
- ઘઉંના પરાળમાં પ્રોટીન જેવું મહત્વનું તત્ત્વ 2.4 ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ છતા પાચનના અભાવે 0.2 ટકા જેટલું જ મળે
- પશુઓને નિભાવવા માટે પરાળમાં રાસાયણિક પ્રક્રિયા કરાવાથી તેના પોષણમૂલ્યમાં થતો વધારો
Wheat straw digestible for Cattle | પશુઓને ઘાસચારો એ મુખ્ય ખોરાક છે. ઉનાળામાં પશુઓને લીલો ચારો ઓછો મળતો હોય છે. પશુઓને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. ઘાસચારાની અછત સર્જાતી હોય તેવા સમયે પશુઓને યોગ્ય આયોજન કરીને ઘાસચારો આપવાથી તેની પૌષ્ટિકતામાં વધારો કરી શકાય છે. રાજ્યમાં ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. પાક તૈયાર થયા બાદ મોટે ભાગે હાર્વેસ્ટરથી કાપણી થતી હોઈ રાડાનું સીધું પરાળમાં રૂપાંતર થાય છે. ઘાસચારો ખૂટવા આવે ત્યારે ઘઉંના પરાળનો પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઘઉંના પરાળનું પોષણમૂલ્ય વધારી પશુઓને ખોરાક તરીકે આપી શકાય છે. ઘઉંના પરાળમાં પ્રોટીન જેવું મહત્વનું તત્ત્વ 2.4 ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ એનું પાચન ફકત 0.2 ટકા જેટલું જ થતું હોય દૂધમાં વધારો થતો નથી. ઘઉંના પરાળમાં લિગ્નીન નામના લાકડિયા તત્વને કારણે પ્રોટીન પચતું નથી. પશુનું જઠર સેલ્યુલોઝ પચાવવાની શક્તિ ધરાવે છે. પરંતુ લીગ્નીન પચાવવાની શકિત ધરાવતું નથી.
ઘઉંના પરાળમાં રહેલા બધા તત્ત્વ લીગ્નીન સાથે મજબૂત રાસાયણિક બંધનથી સંયોજાયેલા હોય છે. આ રાસાયણિક બંધનના હિસાબે આ તત્ત્વો લીગ્નીનથી છૂટાં પડતા નથી અને પશુના પેટમાં પચતા નથી. જેથી છાણમાં નીકળી જાય છે.
વૈજ્ઞાનિકોએ આ વિષય પર પ્રયોગશાળામાં સંશોધન કરી ઘઉંના પરાળમાં લિગ્નીન અને અન્ય પોષક તત્ત્વોના રાસાયણિક બંધનને નબળું પાડવા માટે એક પ્રક્રિયા વિકસાવી. આ પ્રક્રિયાથી ઘઉંના પરાળનું પાચ્ય પ્રોટીન લગભગ 3(ત્રણ) ટકા જેટલું થઈ જાય છે. આ પ્રક્રિયા પશુપાલકો ઘર આંગણે કરી શકે એટલી સરળ છે.
ઘઉંના પરાળની પ્રક્રિયા માટે 100 કિગ્રા પરાળદીઠ 4 કિગ્રા યુરિયા, પાણી રાખવા એક મોટું 200 લિટર ક્ષમતાવાળું પીપ અને 20 લિટર પાણી રહે તેવી એક બાલદી, પરાળનાં ઢગલા ઢાંકવા માટે ખાતરની પ્લાસ્ટિકની થેલીમાંથી બનાવેલી એક મોટી ચાદર 20 ફૂટ ઓરસચોરસ અને પ્રક્રિયા કરવા માટે 8 બાય 8 ફૂટની નાની ચાદર, વજન કરવા માટેનો સ્પ્રિંગ કાંટો, પાણી માપવા માટે લિટરનું માપ, પરાળની હેરફેર માટે મોટો ટોપલાની જરૂરિયાત રહે છે.
અછતના સમયે આવી પ્રક્રિયા કરેલું ઘઉંનું પરાળ ખવડાવવાથી ફાયદો થાય છે. ઘઉંના આવી પ્રક્રિયા કરેલા પરાળમાંથી 2થી 3 ટકા પ્રોટીન અને 60 ટકા જેટલાં કુલ પાચ્ય તત્ત્વો મળે છે. પરાળ ખવડાવતી વખતે ઉપરની ચાદર યથાવત રાખી ઢગલાંને નીચેની બાજુએથી ખોલીને ખવડાવવો. ખવડાવવા માટે જોઈતો જથ્થો બે ત્રણ કલાક પહેલાં કાઢી ખુલ્લામાં મૂકો, જેથી એમાંથી એમોનિયાની વાસ નીકળી જશે. શરૂઆતના તબક્કામાં યુરિયા પ્રક્રિયા કરેલું પરાળ મોટા પશુને ઓછા પ્રમાણમાં આપો અને ધીમે ધીમે આવા પરાળનું પ્રમાણ વધારી શકાય છે.
Read More: ગાય અને ભેંસનું દૂધ વધારવા આ વાતનું ધ્યાન રાખવું, એક ડોલ દૂધ આપશે
Read More: બ્રુસેલોસીસઃ પશુઓમાં થતાં ચેપી ગર્ભપાતના લક્ષણો અને તેની અસર