માંડલ તાલુકના ખેડૂતે 10 વીઘામાં તુલસીની ખેતી કરી, 5 મણના 16થી 35 હજારના ભાવ

માંડલ તાલુકના ખેડૂતે 10 વીઘામાં તુલસીની ખેતી કરી, 5 મણના 16થી 35 હજારના ભાવ
  • દવાઓમાં મોટેભાગે થતો ઋષિ તુલસીનો ઉપયોગ
  • મધ્ય પ્રદેશથી બીજ લાવીને વાવેતર કર્યું, હાલમાં 5 મણના 16થી 35 હજારના ભાવ

માંડલ | માંડલ તાલુકામાં આવેલ નાનાઉભડાના સીમ વિસ્તારમાં એક ખેડુતે પોતાના ખેતરમાં 10 વીધામાં તુલસીનું વાવેતર કર્યું છે. આ તુલસીનું વાવેતર ભારતની અંદર મોટાપાયે મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. એમ.પીના નિમજ શહેરમાં આ તુલસીના બીજ (બિયારણ) સહિતનું વેચાણ, તુલસીની ઉપજની લે-વેચ અને મોટાપ્રમાણમાં આયુર્વેદિક શાળા,દવાઓ બનાવવા સહિતનું મોટું ક્ષેત્ર આવેલું છે. આ તુલસીનો મોટેભાગે ઉપયોગ આયુર્વેદિકમાં થાય છે.

માંડલ તાલુકાના નાનાઉભડા ગામના ખેડુત ભરતભાઈ પટેલે પોતાના નાનાઉભડા સીમવિસ્તારમાં આવેલ ખેતરમાં 10 વીઘાની અંદર ઋષિ તુલસીનું વાવેતર કરીને કૃષિ ક્ષેત્રે જિલ્લાની અંદર નવો રાહ ચિંધ્યો છે.

ભરતભાઈએ ઋષિ તુલસીની ખેતી અંગે મધ્ય પ્રદેશના નીમચ શહેરની મુલાકાત પણ લીધી હતી અને ત્યાંથી તેઓને કૃષિમાં ઝંપલાવવાની પ્રેરણા મળી હતી. જમીનની ફળદ્રુપતા અને માટીની ગુણવત્તા સહિતનો અભ્યાસ કરી માંડલ તાલુકા વિસ્તારમાં આ ખેતી સફળ રીતે થઈ શકે છે, ત્યારબાદ તેમને નીમચથી 5 કિ.ગ્રા ઋષિ તુલસીનું બિયારણ લાવી ચોમાસાં દરમિયાન પોતાના ખેતરના 10 વીઘાના પટ્ટામાં આ બીજનું વાવેતર કર્યું હતું.

તુલસીની ખેતીમાં રાસાયણિક ખાતર કે કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી, જમીનમાંથી પાક ફુટે ત્યાર પછી આ પાકને વિશેષ કોઈ સુરક્ષાની જરૂર નથી, કારણકે, ઢોર-ઢાંખર, રોઝડા તેનો બગાડ નથી કરતાં, પાકમાં જીવજંતુનો પણ ખેડુતોને કોઈન્ડર રહેતો નથી. હાલમાં ઋષિ તુલસીનો પાક ઢીંચણ સમા થઈ ગયો છે.

આ તુલસીના પાંચ મણના 16થી 35 હજાર રૂપિયાનો ભાવ છે ત્યારે આ ખેડુતને પોતાના ખેતરમાંથી 100 મણ તુલસીનો પાક તૈયાર થવાની આશા છે. આ તુલસીનો પાક તો ઠીક પરંતુ તેનો આર્ક, ભુક્કો અને માંજર જેવી વસ્તુઓ પણ આયુર્વેદિક દવાઓમાં ઉપયોગી બને છે.

CATEGORIES
TAGS
Share This