મહુવા યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની 1.22 લાખથી વધુ થેલીઓનું વેચાણ

- ભાવનગર જિલ્લામાં મહત્તમ આવક અને વેચાણનો રેકોર્ડ ધરાવતુ યાર્ડ
- સૌરાષ્ટ્રના અલગ-અલગ ચાર જિલ્લાઓના ખેડૂતો દ્વારા મહુવા યાર્ડમાં ટ્રક ભરીને ઠલવાઈ રહેલી ડુંગળી
ભાવનગર | ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની વિક્રમજનક આવક યથાવત રહેવા પામેલ છે. મહુવા યાર્ડમાં શનિવારે ફરી વખત લાલ અને સફેદ ડુંગળી મળી કુલ 1.22 લાખથી વધુ થેલી ડુંગળીનું વેચાણ નોંધાવા પામેલ છે અને તેના ભાવ પણ પ્રમાણમાં ઉંચા આવતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ભાવનગર સહિત અલગ અલગ ચાર જિલ્લાઓના ખેડૂતો મહુવા યાર્ડમાં ડુંગળીના વેચાણ માટે આવતા હોય આ યાર્ડ સિઝન દરમિયાન છાસવારે ડુંગળીની વિક્રમજનક આવક ધરાવતુ હોય છે એટલુ જ નહિ જિલ્લાના એક માત્ર આ યાર્ડમાં ડુંગળીની જથ્થાબંધ ખરીદી માટે પરપ્રાંતિય વિક્રેતાઓ આવતા હોય છે આથી જ મહુવા યાર્ડમાં સિઝન દરમિયાન લાલ અને સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
અત્રે એ ખાસ નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. એટલે જ ડુંગળીની સૌથી વધુ ફેકટરી યાને ડિહાઈડ્રેશન પ્લાન્ટ પણ મહુવા પંથકમાં જ આવેલા છે. નવી સિઝનના પ્રારંભથી જ મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન ડુંગળીની મબલખ આવક નોંધાઈ રહી છે.
મહુવા માર્કેટીંગ યાર્ડમાં તા.1 ફેબ્રુઆરીને શનિવારે લાલ ડુંગળીની કુલ 70,000 થેલીઓનું વેચાણ કરવામાં આવ્યુ હતુ અને તેના સૌથી ઉંચા 470 ભાવ બોલાયા હતા. જયારે સફેદ ડુંગળીનું 52,034 થેલીઓનું વેચાણ નોંધાયુ હતુ અને તેના ઉંચા ભાવ 361 બોલાયા હતા. જયારે તળાજા માર્કેટીંગ યાર્ડમાં શનિવારે 26,421 ગુણી ડુંગળીની આવક નોંધાઈ હતી. જેના સૌથી 443 ભાવ બોલાયા હતા.