ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝન પહેલાં નવા ધાણાની આવકનાં શ્રીગણેશ
- 30 કિલોની આવકઃ ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને નવા ધાણાની કરાઇ હરાજી
- હરાજીમાં 20 કિલોનો રૂ.35001નો ભાવ બોલાયો
ગોંડલ | ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાય છે.અહીં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબુ્રઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે.પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં આવક નોંધાઈ હતી.
માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં પ્રથમ નવા ધાણાની 30 કિલોની આવક સાથે ધાણાની સિઝનના શ્રીગણેશ થયા હતા. ત્યારે ધાણાની હરાજી પહેલા ધાણાને ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે ધાણાની હરાજી બાદ ખેડૂત અને ધાણાના વેપારીનું મો મીઠું કરાવામાં આવ્યું હતું.
યાર્ડમાં જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત મધુભાઇ નવા ધાણા લઈને આવ્યા હતા. નવા ધાણાના હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 35,001 બોલાયા હતા. રેગ્યુલર જુના ધાણા આવક રોજિંદા થઈ રહી છે. આજે 5500 ગુણીની આવક થવા પામી હતી. જેમાં રેગ્યુલર હરાજીમાં ધાણાના ભાવ 20 કિલોના 800થી 1571 સુધીના જોવા મળ્યા હતા.