જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી સિઝનનાં સૂકા વટાણાની આવક શરૂ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી સિઝનનાં સૂકા વટાણાની આવક શરૂ
  • સારી ગુણવત્તાનાં વટાણાનો ભાવ રૂ.3100 બોલાયો
  • પ્રથમ હરાજી પહેલા શ્રીફળ વધેરીને વટાણાની જણસીને હારતોરા કરાયા, સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી

જામનગર | જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલું માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. હાલ હાપા યાર્ડમાં સીઝન અનુસાર જુદી જુદી ખેતપેદાશોની આવક થતી નોંધાય છે. જેમાં ગઈકાલે પ્રથમ વખત સીઝનના નવા વટાણાની આવક થતાં તેની હરાજી કરવામાં આવી હતી. અને ખેડૂતને મણનો ભાવ 3,100 રૂપિયા જેવો મળ્યો હતો.

ગઇકાલે સૌ પ્રથમ વખત નવી સીઝનના નવા વટાણાની આવક થતાં પ્રથમ હારતોરા કરી, શ્રીફળ વધેરી વટાણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા નજીક આહેરસિંહણ ગામના માંડણભાઈ સીદાભાઈ ચાવડા નામના ખેડૂતના વટણાંને 3,100 જેવો સૌથી વધુ કહી શકાય તેવો ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

અખંડ એન્ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા આ વટાણાની ખરીદી કરવામાં આવી હતી અને તેની શ્રેષ્ઠ ગુણવત્તાને લઈ તેનો 3,100 જેવો ભાવ આપવામાં આવ્યો હતો. ખેડૂતને મણદીઠ 3,100 રૂપિયા જેવો ભાવ મળતાં ખેડૂતો ખુશીમાં જુમી ઉઠયા હતા. આ ઉપરાંત મોડપર ગામના હમીરભાઇ અરજણભાઈ નંદાણીયા નામના ખેડૂતને પણ 1,818 રૂપિયા જેવો વટાણાનો ભાવ મળ્યો હતો.

CATEGORIES
TAGS
Share This