આજે ખોદેલું કાલે કામ લાગશે! હવે કૂવા ગાળવાનાં કામ ધમધમશે
ખાડો ખોદે તે પડે. કહેવત આમ તો એવી છે, પણ દરેક લોકોક્તિ કંઈ કાયમ સાચી ન ઠરે. આ તસવીરમાં દેખાય છે એવી, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં એક સ્થળે કૂવો ગાળવાની જહેમત હવે એકાદ મહિના પછી સૌરાષ્ટ્રમાં ઠેરઠેર લેવાતી જોવા મળશે.
રાજસ્થાનથી આના ખાસ મજૂરો કાઠિયાવાડમાં ઉતરી આવીને સર્વે કરશે કે ક્યાં- ક્યાં કયા- કયા ખેડૂતો તેમનાં ખેતરોમાં કૂવા ખોદવા ઉત્સુક છે. એ પછી કામનાં મંડાણ થાય. દસેક ફૂટ ઊંડાઈ સુધી તો માટી હોય એટલે ત્રીકમથી જ ખોદકામ ચાલે, પછી પત્થરનું સ્તર આવ્યે નાનાં ડ્રીલ, આગળ જતાં ડિટોનેટરથી બ્લાસ્ટ, પાણી નીકળે એટલે પ્રારંભે ક્રેઈનનાં બાસ્કેટથી અને વધુ પાણી આવે ત્યારે મોટર મુકીને ઉલેચવાની પ્રક્રિયા, સમાંતરે ફરી ખોદકામ…
તાલાલા જેવા અમુક પ્રાંતમાં 70-80 ફૂટ, તો ક્યાંક વળી દોઢ- સો પોણા બસ્સો ફૂટ સુધી પણ ખોદવું પડે. અને છેલ્લે, જ્યારે કૂવો ગળાઈ જાય ત્યારે શ્રીફળ વધેરવાથી માંડીને લાડુ પ્રસાદ વિતરણનો હરખ વર્તાય. એને જળદેવી બેસાડવાની વિધિ કહેવાય.
વ્યાપક પ્રમાણમાં ભૂગર્ભ જળ ઉલેચવાનું પર્યાવરણ માટે લાંબે ગાળે હાનિકર્તા બને એ મુદ્દો ઘડીભર બાજુ પર રાખીએ તો જ્યાં ક્યાંય કૂવો બની જાય ત્યાં દાયકાઓ સુધી દર વર્ષે ઉનાળે પાણીની ખોટ ઘટવાથી માંડીને ચોમાસે કૂવો ભરાઈ જવાની, અને શિયાળે પણ છત જેવી સગવડ મળી રહે.