પાણી હોય તો જમીનને ફળદ્રુપ કરતાં ટુંકાગાળાના પાક મગનું વાવેતર કરો

પાણી હોય તો જમીનને ફળદ્રુપ કરતાં ટુંકાગાળાના પાક મગનું વાવેતર કરો

રવી પાક લીધા પછી જે ખેડૂતો પાસે પિયત પાણીની સગવડ છે તેઓ જમીનને ફળદ્રુપ કરતાં ટુંકાગાળાના પાક મગનું વાવેતર કરે છે. કઠોળ પાકમાં ધાન્ય પાકો કરતાં 2થી 3 ગણું પ્રોટીન વધારે હોય છે. કઠોળ વર્ગના પાકોના મૂળમાં હવામાંનો નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરનાર બેક્ટેરીયા હોય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનનું બંધારણ સુધારે છે.

જમીન : મગનું વાવેતર ખારી અને અતિ કાળી જમીન સિવાય તમામ પ્રકારની જમીનમાં થઈ શકે છે. ગોરાડુ, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન મગના પાકને વધારે અનુકૂળ છે. પાક પૂર્વ થતા તુરત જ જમીનને તૈયાર કરવી જરૂરી છે. મગ ઊંડા મૂળ ધરાવતો અને કઠોળ વર્ગનો પાક છે. મગ વાવતા પૂર્વે જમીન ઊંડી ખેડી, કરબથી ઢેફાં ભાંગી ભરભરી કરવી જરૂરી છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 8થી 1૦ ટન જેટલું છાણિયું/ગળતિયું ખાતર નાખવું જેથી જમીનનો બાંધો અને જમીનની ભેજસંગ્રહ શક્તિમાં વધારો થાય તેમજ જમીનની જૈવિક પ્રક્રિયામાં સુધારો થાય. ઓછા પાણીએ સરળતાથી તૈયાર થતા મગની વિવિધ સંશોધિત જાતો છે. જેવી કે, ગુજરાત મગ-4, ગુજરાત મગ-3, ગુજરાત મગ-2, ગુજરાત મગ-1 તથા કે-851 જાત વાવવા માટે ભલામણ કરાઈ છે.

બિયારણનો દર તથા માવજત : મગને પૂંખીને વાવવા માટે 2૦થી 25 કિગ્રા જ્યારે વાવણીયાથી ઓરીને વાવેતર કરવા માટે 15થી 2૦ કિલો બીજની જરૂર પડે છે. બીજને વાવતાં પહેલાં પારાયુક્ત દવા જેવી કે થાયરમ, કેપ્ટાનનો પટ 2થી 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ આપવો. રાઈઝોબિયમ એ એક પ્રકારનું બાયો ફર્ટિલાઈઝર છે. પારાયુક્ત દવાનો પટ આપ્યા બાદ જી.એમ.બી.એસ-1 નામના રાઈઝોબિયમ કલ્ચરનો 8 કિલોગ્રામ દીઠ 2૦૦ ગ્રામ મુજબ પટ આપી છાંયડે સુકવી વાવેતર કરવું. પારાયુક્ત દવાની માવજત આપેલા બીજ માટે કલ્ચરનો બમણો જથ્થો વાપરવો. મગનું બે ચાસ વચ્ચે 3૦ સેમી તથા બે છોડ વચ્ચે 1૦ થી 15 સેમી અંતર રાખવું.

પિયત : મગનું વાવેતર ઓરવાણ કર્યા પછી વરાપ થયેથી કરવું. પ્રથમ પિયત જમીનના પ્રત પ્રમાણે ખેંચાવા દઈ 2૦થી 25 દિવસે ફૂલની શરૂઆત થયે કરવું. જમીન હલકી હોય તો ત્યાર પછી 4થી 5 પિયત 1૦થી 12 દિવસના અંતરે આપવા. ફુલ તથા શિંગોમાં દાણા ભરાવવાની અવસ્થાએ પાણીની ખેંચ પડવા દેવી નહીં. જ્યારે કોરાટમાં વાવેતર કર્યું હોય તો પ્રથમ પિયત વાવેતર પછી તુરંત આપવું. ત્યારબાદ બીજું પિયત 5 દિવસે સારા ઉગાવા માટે આપવું. તે પછી 15 દિવસના અંતરે 4થી 5 પિયત આપવા.

નીંદામણ અને આંતરખેડ : વાવેતરથી પ્રારંભિક અવસ્થાના 3૦થી 35 દિવસના ગાળા દરમિયાન પાકને નીંદામણમુક્ત રાખવો. આ માટે બે વખત આંતરખેડ અને નીંદણ કરવું. મજૂરોની અછતના સમયે રાસાયણિક નિયંત્રણમાં નીંદણનાશક દવા પેન્ડીમિથાલીન 8૦૦ મિલિ. પ્રમાણે પ્રતિ વીઘામાં બીજની વાવણી પછી અને બીજના સ્ફૂરણ પહેલાં પ્રતિ વીઘે જમીન ઉપર પંપથી છાંટવાથી નીંદણનું અસરકારક રીતે નિયંત્રણ થઈ શકે છે.

ખાતર : મગનું વાવેતર કરતી વખતે 2૦ કિલોગ્રામ નાઈટ્રોજન, 4૦ કિલોગ્રામ ફોસ્ફરસ અને 2૦ કિલોગ્રામ સલ્ફર પ્રતિ હેક્ટર ચાસમાં ઊંડે આપવાની ભલામણ છે. જે મુજબ 25 કિલોગ્રામ ડી.એ.પી. તથા 5 કિલોગ્રામ ગંધક પ્રતિ વીઘે બીજની નીચે પડે તે રીતે ચાસમાં ઓરીને આપવું. સલ્ફર (ગંધક) આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે.


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
Share This