ઉત્તર ગુજરાતમાં બટાકાના વાવેતરનો પ્રારંભ, 1.15 લાખ હેક્ટરમાં વાવણીનો અંદાજ
- ખેડૂતોએ ડ્રીપ સિંચાઈથી વાવેતરનો પ્રારંભ કર્યો
- ગરમીના પ્રકોપના કારણે કેટલાક ખેડૂતો ઠંડી શરૂ થવાની રાહમાં
- વાવણી સમયે જ બટાકાના બિયારણના ભાવમાં વધારો
હિંમતનગર | ઉત્તર ગુજરાતમાં પરોઢે સામાન્ય ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી પ્રકોપ શરૂ થયો છે. પરંતુ બટાકા પકવતા ખેડૂતોએ ક્યાંકને ક્યાંક વાવણીનો પ્રારંભ કર્યો હોય તેવું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ચાલુ વર્ષે 1,15,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર થવાની સંભાવના છે. પરંતુ દર વર્ષે વાવેતર વિસ્તારમાં આંશિક વધારો જોવા મળ્યો છે. કેટલાક ખેડૂતોએ ઠંડી શરૂ થાય પછી બટાકાનું વાવેતર કરવાનો નિર્ણય કર્યો છે.
ખરીફ પાક ખેડૂતોના આંગણે પહોંચી ગયા પછી ઉત્તર ગુજરાતના 8 લાખ પૈકી મોટાભાગના ખેડૂતોએ રવિ સીઝનની ખેતી માટે તૈયારીઓ શરૂ કરી છે પરંતુ મોટાભાગનો ખેડૂત સમુદાય જ્યાં સુધી ઠંડીનો ચમકારો દિવસે પણ ન અનુભવાય ત્યાં સુધી વાવણી કરવાથી પીછેહઠ કરી રહ્યા છે.
પરંતુ બટાકા પકવતા ખેડૂતોએ ભલે ગરમીનો પ્રકોપ હોય પરંતુ અત્યારથી જ બટાકાની વાવણી શરૂ કરી છે પરંતુ વહેલા બટાકાની વાવણી પછી વહેલી પાક ઉપજ મળે તો શરૂઆતમાં વેપારીઓ પાસેથી સારા ભાવ મળતા હોય છે તેવી આશાએ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ બટાકાની વાવણી શરૂ કરી છે.
બટાકા પકવતા ખેડૂત કનુભાઈ એમ. પટેલે જણાવ્યું કે કચ્યાર્યા બટાકા 70 થી 75 દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે પાકા બટાકા 90 દિવસમાં તૈયાર થઈ જતા હોય છે. મોટાભાગના ખેડૂતોએ નવેમ્બરના આરંભે વાવેતર કર્યું છે.
કઈ જાતના બટાકાનું વાવેતર
પોખરાજ, લોકર, કોલંબો, એલ.આર., સાન્તાના જાતના બટાકાનું વિવિધ જમીન પ્રમાણે ખેડૂતો વાવેતર કરતા હોય છે. ચોઈલા ગામના ખેડૂત અમિત પટેલે જણાવ્યું કે આ વર્ષે બટાકાના બિયારણના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે જે ખેડૂતો માટે અસહ્ય છે.
બટાકાનો સંભવિત વાવેતર વિસ્તાર
જિલ્લો | વાવેતર વિસ્તાર હેક્ટરમાં |
સાબરકાંઠા | 27,000 |
અરવલ્લી | 21,000 |
મહેસાણા | 11,000 |
પાટણ | 1200 |
બનાસકાંઠા | 53,000 |
આ પણ વાંચોઃ હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં 4 દિવસમાં 2,346 બોરી મગફળીની આવક થઇ
આ પણ વાંચોઃ સાવલી તાલુકાના ખેડૂતો રવી પાકને બચાવવા ડીઝલ પંપના સહારે, કેનાલમાં પાણી છોડવા માગ