રાણપુરના ખેડૂતનો નવતર પ્રયોગ, સેંસર આધારિત સિંચાઈ પદ્ધતિ અપનાવી
બોટાદઃ ગુજરાતના ખેડૂતો હવે સમયની સાથે આધુનિક બની રહ્યા છે અને ખેતીમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. ખેતીમાં નવી ટેકનોલોજીના આગમનથી ખેડૂતો માટે ખેતી કરવી સરળ બની રહી છે. આ સાથે ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે. બોટાદના ધરતીપુત્ર રમેશભાઈ બદ્રેશિયાએ આધુનિકતાની સાથે કદમ મિલાવી પોતાના ખેતરમાં ખાસ પ્રકારનું ડિવાઈસ લગાવ્યું છે. જેની મદદથી તેઓ પાકની ચૌક્કસ માહિતી સેંસર આધારિત સિંચાઈ કરી શકે છે.
જેવી રીતે મનુષ્યોને જીવન જીવવા માટે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આહાર, પાણી, ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે ખેતીમાં પણ પાકને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. જો તેનો ખ્યાલ રાખવામાં આવે તો જ પાક સમૃદ્ધ રહે છે, અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી પાકને બમણી તંદુરસ્તી મળે છે. આ વિચાર સાથે ખેતી કરતા બોટાદનાં રાણપુર તાલુકાનાં મોટી વાવડી ગામનાં રમેશભાઇ વાલજીભાઇ બદ્રેશિયા દ્વારા પોતાનાં ખેતર પર એક ખાસ ડિવાઈસ લગાવ્યું છે.
આ ડિવાઈસમાં 15 જેટલા સેન્સર લગાવ્યા છે. જેની મદદથી જમીનમાં ભેજનું નિરીક્ષણ, વરસાદનું ટ્રેકિંગ, રોગ અને જીવાતની આગાહી, પોષક તત્વો અને પાણીની જરૂરિયાતો સહિતની બાબતો વિશે જાણી શકાય છે.
રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. માટે તેમનું ખેતર અગાઉથી જ સમૃદ્ધ છે અને હવે ટેકનોલોજીના ઉપયોગ વડે તેમને વાવેતરમાં 20થી 25 ટકા જેટલો ફાયદો થવાની શક્યતા છે. ત્યારે આ ધરતી પુત્ર બોટાદ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે.