સારા સમાચાર: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

સારા સમાચાર: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

ગુજરાતના ખેડૂતો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ છે. ખેડૂતો હવે 11 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે.

ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે, રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી 11 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,356 પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,736 પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,480 પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978 પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.


Read More: ગોંડલનું માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ, સિઝનમાં 1.50 લાખ ગુણીની આવક

Read More: ખેડૂતોને ટેકા મુજબના ભાવ પણ નથી મળતા ને ગુજરાત મોડલનાં નામે ભાજપે ચૂંટણી જીતી લીધી

CATEGORIES
TAGS
Share This