ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં નિયમો બદલાયા, હવે છઠ્ઠી એપ્રિલ 1995 પછીના રૅકોર્ડ જ ધ્યાનમાં લેવાશે

ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં નિયમો બદલાયા, હવે છઠ્ઠી એપ્રિલ 1995 પછીના રૅકોર્ડ જ ધ્યાનમાં લેવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઇન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995ના દિવસથી જ મહેસૂલી રૅકર્ડ ધ્યાનમાં લેવાશે.

આ કાર્યવાહી કરાઈ સરળ
ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. જેમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતાં ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા. જેને સરળ બનાવાયા છે. અને હવે 6 એપ્રિલ 1995 પછીના જ મહેસૂલી રૅકર્ડ ધ્યાનમાં લેવાશે.

મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત
ખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હતા. જે અંગે મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. પરંતુ હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.

ખેડૂત ખરાઈ માટે આ રૅકોર્ડ ધ્યાને લેવાશે
જો કે, આવી ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે. આ સાથે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીના જ રૅકર્ડ ધ્યાને લેવાશે અને ટાઇટલ અંગે વિસંગતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેનું સોગંધનામું પણ કરવાનું રહેશે.


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This