સાવલી તાલુકાના ખેડૂતો રવી પાકને બચાવવા ડીઝલ પંપના સહારે, કેનાલમાં પાણી છોડવા માગ
- ડબલ એન્જિન વાળી સરકારમાં ખેડૂતોની હાલત કફોડી
- પાછોતરા વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતોના માથે નવી મુસીબત
સાવલી તાલુકામાં સિંચાઈ માટે કેનાલનું પાણી આવતું ન હોવાથી ખેડૂતો ડીઝલ પંપ વડે પાણી સિંચીને મહામૂલો પાક બચાવવા હવાતિયાં મારતા જોવા મળી રહ્યા છે. વહેલી તકે તૂટેલી કેનલો રિપેર થાય, ઝાડી ઝાંખરા સાફ થાય અને કેનલોમાં પાણી છોડાય તેવી માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ડબલ એન્જિનવાળી સરકારમાં વહેલી તકે પાક નુકસાનીનું વળતર મળે તેવી રજૂઆત કરી છે.
સાવલી તાલુકામાં ચાલું વર્ષે ભારે વરસાદના પગલે ત્રણ વખત પાક નષ્ટ થઈ જવાના પગલે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નુકસાનીની ભરપાઇ થઇ જશે એવી આશા સાથે રવી પાકની વાવણી કરી હતી. સામાન્ય રીતે નવરાત્રીના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે આજ દિન સુધી દિવસમાં ભારે ગરમીનો અહેસાસ થાય છે. ખેતરોમાંથી ભેજ ઉડી ગયો છે અને ખેડૂતોએ વાવેલો પાક બળવા લાગ્યો છે. મહામૂલો પાક બળી જવાથી બચાવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે.
તાલુકાની મોટાભાગની ખેતી કેનાલ આધારિત છે. ગણાગાઠ્યા લોકો ટ્યુબવેલ અને કુવા વડે સિંચાઈ કરીને પાકને બચાવી લે છે. પરંતુ તેમાં પણ આઠ કલાક થ્રી ફેજ લાઈટ મળતી હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ કુદરતનો માર બીજી બાજુ ભૂંડ, નીલગાય તેમજ જીવાત અને મોંઘા ખાતર અને ખાતરની અછત જેવી સમસ્યાથી પીડાઈ રહેલા તાલુકાના ખેડૂતોને હાલ નવી સમસ્યા સિંચાઈની પાણીની આવી છે. આ સમસ્યાનો સામનો કરવા ખેડૂતો ફાફા મારી રહ્યા છે.
જ્યારે બીજી બાજુ સમગ્ર તાલુકાની કેનાલો સૂકી ભઠ્ઠ હોવાના કારણે ખેડૂતો ભારે લાચારીની સ્થિતિમાં મુકાઈ ગયા છે, ખેડૂતો વેચાતું પાણી લાવીને પાક બચાવામાં પડી ગયા છે, ખેડૂતોએ વહેલી તકે તાલુકાની તૂટેલી કેનલો રિપેર થાય, ઝાડી ઝાંખરા સાફ થાય અને કેનલોમાં પાણી છોડાય તેવી માગ કરી રહ્યા છે.
ચોમાસામાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનમાં રાજ્ય સરકાર તરફથી હજુ સુધી પાક વળતર મળ્યું નથી. રાજ્યની ડબલ એન્જિનની સરકાર તાલુકાના ખેડૂતોની વ્યથાને સમજીને વહેલી તકે પાક નુકસાનીનું વળતર અને કેનલોમાં પાણી છોડાય તેવી માગ ઉઠી છે. તસવીરમાં સાવલી તાલુકાના ખેડૂતો ડીઝલ પંપ વડે પાણી ખેંચીને પોતાનો પાક બચાવતા અને સૂકી કેનાલો નજરે પડે છે.
આ પણ વાંચોઃ તલોદ તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાં સામેલ કરવા રજૂઆત
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાં DAP ખાતરની તીવ્ર અછત, ચોમાસામાં ફટકો પડ્યા બાદ રવિ પાક પર પણ સંકટ