મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકની વાવણીનો આરંભ

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકની વાવણીનો આરંભ
  • ગત ખરીફ ઋતુમાં 84.89 લાખ,રવી સીઝનમાં 48.54 લાખ વાવેતર
  • રાજ્યમાં આ સીઝનમાં સરેરાશ 11.44 લાખ હે.જમીનમાં ડાંગર, બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી, તલ, ડુંગળી, શેરડીનું વાવેતર
  • સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ.ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે શરુ થશે

રાજકોટ | ગુજરાતમાં ત્રણ ઋતુની જેમ ખેતીવાડીની પણ ત્રણ સીઝન હોય છે જેમાં ગત તા.27 જાન્યુઆરીએ પૂરી રવી (શિયાળુ) સીઝનમાં ગત વર્ષથી 2.52 લાખ હેક્ટર વધુ સાથે 48.54 લાખ હેક્ટરમાં ઘંઉ સહિતનું વાવેતર થયું અને તે પહેલા ધોધમાર ચોમાસામાં 84.89 લાખ હેક્ટર જમીન ખેડીને કપાસ, મગફળીનો પાક લેવાયો હતો. હવે ત્રીજી સીઝન ઉનાળુ વાવેતરનો ધીમી ગતિએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રારંભ થયો છે.

ઉનાળામાં પાણીની તંગી અને તીવ્ર તાપના પગલે વાવેતર ઓછુ થતું હોય છે છતાં ગુજરાતમાં ગત ત્રણ વર્ષમાં સરેરાશ 11,43,88૦ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. આ ઋતુમાં મુખ્યત્વે બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી,તલ, શાકભાજી, ઘાસચારો, ડુંગળી વગેરેનો પાક લેવાતો હોય છે.

પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં કૂલ 21,782 હેક્ટરમાં ખાસ કરીને ડાંગર, શેરડી, શાકભાજી, મગ સહિતનું વાવેતર થયું છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ વાવણી શરુ નથી થઈ પણ ટૂંક સમયમાં શરુ થવાના એંધાણ છે. ઉલ્લેખનીય છે કે શિયાળો અને ચોમાસુ એટલે કે રવી અને ખરીફ સીઝનમાં આ વખતે મબલખ પાક ઉત્પન્ન થયો છે ત્યારે ઉનાળામાં તીવ્ર તાપની આગાહી વચ્ચે કેટલું પાક ઉત્પાદન થાય છે તેના પર નજર રહેશે.

CATEGORIES
TAGS
Share This