ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરવી જરૂરી
- ઘઉંના સારા ઉત્પાદન માટે ગોરાડુ માટી સૌથી સારી
- ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે આવશ્યક
- ઘઉંની સાથે સહજીવી પાક તરીકે ચણા, મસૂર, વટાણા, ધાણા, પાલક, મેથી, રજકો વગેરે લઈ શકાય
બોટાદ : ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પ્રાકૃતિક કૃષિ કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હવે આગામી દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર થવાનું છે ત્યારે ઘઉંના વાવેતર માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.
ઘઉંના સારા ઉત્પાદન માટે ગોરાડુ માટી સૌથી સારી છે. પરંતુ છોડવાઓને સંતુલિત પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ કરાવવાવાળા પૂરતાં પ્રાકૃતિક સંસાધન પૂરા પાડવામાં આવે, તેમજ સિંચાઈ વગેરેની વ્યવસ્થા યોગ્ય હોય તો, હલકી જમીનમાં પણ વધુ ઉત્પાદન લઈ શકાય છે. ખારાશવાળી અથવા ભાસ્મિક જમીન ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય નથી.
ઘઉંની વાવણી 20મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધીમાં કરી દેવી જોઈએ. ઘઉંની વાવણી કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો અતિ જરૂરી છે. વાવણીમાં વિલંબ થવાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વધી જાય છે. ઘઉંની વાવણીની પહેલાં અગાઉના પાકના અવશેષો સળગાવો નહીં. પણ તેનો યોગ્ય ઉપયોગ કરો અથવા રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દો. જેનાથી જમીનની ઉત્પાદન શક્તિ વધશે અને મિત્ર જીવ તેમ જ સૂક્ષ્મજીવો નાશ પામશે નહીં.
જો ખેતરમાં ભેજ ઘટી ગયો હોય, તો વાવણી પહેલાં સિંચાઈ (ઔરવાણું) આપી દો. પહેલા વર્ષે ઓરવણું કરતી વખતે 800 થી 1000 લિટર પ્રતિ એકર જીવામૃત પાણીની સાથે આપી દો. જમીનમાં વરાપ થઈ જાય એટલે ખેડ કરતાં પહેલાં 8 થી 10 ક્વિન્ટલ પ્રતિ એકર ધનજીવામૃત જમીન ઉપર નાખીને ખેડ કરો. સારી રીતે ખેડ કરીને માટીને બારીક અને ભરભરી કરો અને સમતલ કરો. રોટાવેટરથી ખેડ કરવાને લીધે એક જ વખતમાં ખેતર સારી રીતે તૈયાર થઈ જાય છે.
આગળના પાકના અવશેષોનું ખેતરમાં સારી રીતે વિઘટન કરવા માટે તેની ઉપર અઠવાડિયામાં બે વખત ૨૦ ટકા જીવામૃતના મિશ્રણનો છંટકાવ કરો. જમીનને વધુ પડતા તાપમાનથી બચાવવા માટે તેની ઉપર વધુમાં વધુ આચ્છાદન કરવું જોઈએ. તેનાથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ તેમ જ અળસિયાંઓની સંખ્યામાં વધારો થશે. જમીનમાં લાંબા સમય સુધી ભેજ ટકી રહેશે તેમજ નિંદામણનું પણ નિયંત્રણ થશે. તેની સાથે સાથે જમીનની ઉત્પાદન ક્ષમતા (ફળદ્રુપતા) પણ વધશે.
ઘઉંનો પાક જમીનમાંથી સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન ખેંચે છે. પાકનું પૂરતું ઉત્પાદન મેળવવા માટે એક એકર જમીનમાં 60 કિલો નાઇટ્રોજનની જરૂર પડે છે. પરંતુ ઘઉંની સાથે સહજીવી પાક તરીકે નીચેનામાંથી કોઈપણ પાક જેમ કે, ચણા, મસૂર, વટાણા, ધાણા, પાલક, મેથી, રજકો વગેરે લઈ શકાય. કારણ કે આ સહજીવી પાકો જમીનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવી આપે છે. પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક વાવીને તેના ઉત્પાદનથી વચ્ચે વચ્ચે પૈસા મેળવી શકીએ છીએ.
સહજીવી પાક મુખ્ય પાકનું ઉત્પાદન મળતા પહેલા જ પૈસા અપાવે છે, એટલું જ નહીં સહજીવી પાકોના લીધે મુખ્ય પાક માટે કરવામાં આવતો ખર્ચો પણ નીકળી જાય છે. મિશ્ર પાક પદ્ધતિમાં ખેતી પાકો એકબીજાને પોષણ પુરું પાડે છે. નાના ખેડૂતો માટે આ એક ઉત્તમ ખેતીપદ્ધતિ છે.
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં ઘઉંને બેડ ઉપર વાવવાને સર્વોત્તમ રીત માનવામાં આવે છે. બેડ ઉપર વાવણી કરવાથી બિયારણનું પ્રમાણ ઘટે છે અને આ પદ્ધતિથી 70% પાણીની બચત થાય છે.
આ પણ વાંચો: ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન
આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન