ફુવારા સિંચાઈ : ગરમીમાં છોડને બચાવતી ઉત્તમ ટેક્નોલોજી

ફુવારા સિંચાઈ : ગરમીમાં છોડને બચાવતી ઉત્તમ ટેક્નોલોજી

રાજ્યમાં પિયત પાણીનો જથ્થો મર્યાદિત થવા વચ્ચે વરસાદ અનિયમિત રીતે આવે છે. ખેતી તેમજ અન્ય કાર્યોમાં ભુગર્ભજળ ભંડારોનો વધુને વધુ ઉપયોગ થતાં પાણીના જળસ્રાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં સિંચાઈ માટે કેનાલ નેટવર્ક પણ બંધ છે. જે ખેડૂતો પાસે પિયત પાણીનો સ્ત્રોત હોય તેનો કરકસરપૂર્વકના ઉપયોગ માટે આધુનિક ટેક્નોલોજી આવશ્યક છે. ઘણાં વિસ્તારોમાં ફક્ત વરસાદ આધારિત જ ખેતી થાય છે.

ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ અપનાવવાથી પાણીની કરકસર સાથે વધુ વિસ્તારમાં પિયત આપી શકાય છે. પાકને સમયસર વરસાદના રૂપમાં પાણી આપવાની સિંચાઈને ફૂવારા સિંચાઈ કહે છે. જેમાં પાણીનો 30થી 50 ટકા બચાવ થાય છે. બધા જ પ્રકારની જમીનમાં (સિવાય કે ખૂબ જ ભારે જમીન જેની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા 4 મિ.મી./કલાક કરતાં ઓછી હોય) અપનાવી શકાય છે.

ખૂબ જ છીછરી જમીન કે જેમાં, ક્યારા કે ધોરિયા પદ્ધતિથી પિયત કરવા માટે સમતલ કરતાં ફળદ્રુપતા ઘટી જતી હોય તેવી જગ્યાએ આ પદ્ધતિ અનુરૂપ છે. વધુ ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત આપવા માટે પણ ફુવારા પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

ઓછા પાણીથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત આપી શકાય છે. ફુવારા સિંચાઈ પદ્ધતિથી છોડના પ્રકાર તથા ઉંમર પ્રમાણે જોઈએ તેટલું નિયંત્રિત પાણી આપવું શક્ય બને છે. રાસાયણિક ખાતરો, નીંદામણનાશકો અને ફૂગનાશકોને પિયત પાણી સાથે કરકસરપૂર્વક આપી શકાય. હિમ કે વધુ પડતા તાપમાનથી છોડને બચાવવા સાથે હવામાનો નાઈટ્રોજન પણ છોડને મળે છે. નીક પાળામાં રોકાતી જમીનનો વ્યય નિવારી શકાય છે.

આંતરખેડ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. મજૂરી ખર્ચ ઓછો આવે છે. જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે. ફુવારા પિયતની કેટલીક મર્યાદાઓ પણ છે. જ્યારે પિયત કરવાનું હોય ત્યારે જો પવનની ગતિ વધારે હોય તો એકસરખી રીતે પિયત થઈ શકતું નથી. પવનની ગતિ 13 કિ.મી. પ્રતિ કલાક કરતા વધુ હોય ત્યારે બધે એક સરખું પાણી આપવું શક્ય નથી. આથી માફકસરનો પવન હોય તેવા સમયે પિયત આપવું ફાયદાકારક રહે છે. અમુક ચોક્કસ પ્રકારના પાકમાં ફ્લાવરિંગ પછીથી ફુવારા સિંચાઈ થતી નથી.


આ પણ વાંચો: સજીવ ખેતીમાં ઉપયોગ થતી વનસ્પતિજન્ય દવાઓ અને તેના ફાયદા

આ પણ વાંચો: ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરવી જરૂરી

CATEGORIES
TAGS
Share This