ઘઉં પર સ્ટોક મર્યાદા ખેડૂતો, વેપારીઓ માટે હાનિકારક, છૂટછાટ આપોઃ તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસો.

ઘઉં પર સ્ટોક મર્યાદા ખેડૂતો, વેપારીઓ માટે હાનિકારક, છૂટછાટ આપોઃ તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસો.
  • તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસો.એ તલોદ મામલતદારને આવેદન પત્ર આપ્યું
  • કેન્દ્ર સરકારે ઘઉંના જથ્થા બાબતે મૂકેલા નિયંત્રણમાં છૂટછાટની માંગ કરી

તલોદ | સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનએ આજે તલોદ મામલતદારને આવેદન પત્ર આપીને, કેન્દ્ર સરકાર ઘઉંના સંગ્રહની સ્ટોક મર્યાદા વધારે તેવી માંગ કરી હતી. હાલ સરકારે ઘઉંના સંગ્રહ બાબતે મહત્તમ 250 મેટ્રિક ટનની મર્યાદા નિયત કરી છે. જેનાથી અનેક સમસ્યાઓ વેપારી અને ખેડૂત આલમને માટે પણ પેદા થતી હોવાનું મનાય છે.

તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો આજે તલોદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તલોદ મામલતદાર શિલ્પા બહેન જોષીને ઘઉંના સંગ્રહના મહત્તમ 250 મેટ્રિક ટનના સરકારી નિયંત્રણમાં છૂટછાટની માંગ કરતું આવેદન પત્ર આપ્યું હતું.

નોંધનીય છે કે, હાલ માર્કેટ યાર્ડમાં ભરચક સિઝનની કારણે ઘઉંની મબલખ આવક થઇ રહી છે. જેથી હજારો ટન માલ વેચાણ માટે આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ ભારત સરકાર દ્વારા ઘઉંના સંગ્રહ માટેની સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે મુજબ પ્રત્યેક વેપારી 250 મેટ્રિક ટનની મર્યાદામાં જ માલ સંગ્રહ કરી શકે છે.

ત્યારે વેપારી સંગઠનનો દાવો છે કે, માર્કેટ યાર્ડમાં આટલા બધા વિપુલ જથ્થામાં સિઝનની મુખ્ય પેદાશ એવા ઘઉંનો માલ આવતો હોય તો, તે સામે સરકારે બાંધેલી સ્ટોક મર્યાદા ઘણી ઓછી છે. જેમાં વધારો કરીને સરકારે પૂર્ણ છુટછાટ આપવી જ જોઈએ.

જો સ્ટોક મર્યાદામાં વધારો નહીં કરવામાં આવે તો,માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલનો વિપુલ ભરાવો થઈ જશે અને ભરાવો થઈ ગયેલા ઘઉંના માલમાં જથ્થાનો નિકાલ કરવાની તકલીફ પડશે. તેવો દાવો પણ આવેદન પત્રમાં વેપારી એસોસિએશનએ કર્યો છે. જથ્થો વધુ જમા થશે તો સરવાળે ખેડૂતોને ઘઉંના ઉંચા ભાવ નહીં પણ મળે તેવી સ્થિતિ પેદા થઇ શકે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં તે માટે સરકાર વેપારી પેઢીને મહત્તમ ઘઉંનો જથ્થો સંગ્રહ કરવાની છૂટ આપે તે આવકારદાયક હશે તેમ પણ એસો.એ જણાવેલ છે.

તલોદ મામલતદારને આવેદનપત્ર આપવા ગયેલા વેપારી સભ્યોમાં તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ શાહ અને મંત્રી કપિલ શાહ સાથે અન્ય હોદ્દેદારો અને વરિષ્ઠ વેપારી સદસ્યો પણ જોડાયા હતા.

CATEGORIES
TAGS
Share This