સવારનું ઝાકળ બપોર સુધી ઉડે નહી તો જીરુંમાં તોળાતો સુકારાનો ભય
- વહેલી સવારમાં ટાઢ સાથે ઝાકળ પણ જોવા મળે છે.
- ભેજવાળા વાતાવરણ અને ઝાકળ સાથે જીરુંને આડવેર
જીરાના બજારમાં ઘણા સમયથી ખેડૂતો અને સ્ટોકિસ્ટને જોઇએ એવી તેજીની રાહ છે બીજી બાજુ વર્તમાન સિઝનમાં 4 લાખ હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર કરનારા ખેડૂતો જીરાની મહત્વની ગણાતી માવજતમાં જોતરાયેલા છે. દિવાળી પછી પણ દિવસે તાપમાન ઉંચુ રહેવાથી જીરું જેવા રવિપાકની વાવણી થોડી મોડી શરુ થઇ હતી. દિવાળી પછી હવે ઉતરાયણની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જીંરુની મોલાતો ખરાખરીમાંથી પસાર થઇ રહી છે. સરેરાશ 40 થી 45 દિવસનો પાક થઇ ગયો છે. કમસે કમ બે પિયત અપાઇ ગયા છે. ત્રીજા પિયતની તૈયારીઓ ચાલી રહી છે કોઇ વિસ્તારોના ખેતરોમાં ત્રીજા પાણી પણ ફરી ગયા છે.
જીરુંની લીલોતરીથી ખેડૂતો પોરસાય તે સ્વભાવિક છે પરંતુ આ ખૂબ નખરાળો અને હવામાનની દ્રષ્ટીએ ખૂબ સંવેદનશીલ પાક છે. ભેજવાળા વાતાવરણ અને ઝાકળ સાથે દુશ્મનાવટ રહે છે. જીરું પોખાઇને આંગળીના બે વેઢા જેટલું ઉગ્યું હતું ત્યારે વરસાદનો ભય તોળાતો હતો જો કે હવે આજકાલમાં વરસાદની આફત જણાતી નથી પરંતુ વહેલી સવારમાં ટાઢ સાથે ઝાકળ પણ જોવા મળે છે. ઝાકળના બિંદુ ખેતીના પાકોને સ્પર્શ કરવાથી સવારે અનુભવી શકાય છે. સામાન્ય રીતે સૂર્ય નારાયણનો તડકો શરુ થાય કે ખેતરોમાંથી ઝાકળ ઉડવા લાગે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના પાન પ્રકાશસંશ્વલેષણની ક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરવા લાગે છે.
જો કે ઝાકળનું પ્રમાણ વધારે રહે અને જો તે બપોરના તડકામાં પણ રહી જાયતો તે જીરું જેવા પાકોને નુકસાન કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર,પાટણ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં જીંરુમાં ઝાકળના પગલે કેટલાક ખેતરોમાં જીંરુમાં લીલો સુકારો આવવાની શરુઆત થઇ છે. કયારાથી ભરાયેલા છોડ આછા થઇને સુકાવા લાગે છે જેને સ્થાનિક ભાષામાં જીરું ઉતરી ગયું એમ પણ કહેવામાં આવે છે એમ અનુભવી ખેડૂતો પાસેથી જાણવા મળે છે