જીરુમાં ભાવ સારા રહેશે તેનો આધાર આરબ દેશોની માંગ પર
- વધુ ભાવની આશાએ 30 થી 40 લાખ બોરી જેટલો માલ ખેડૂતોએ પકડી રાખ્યો છે
- જીરુના ભાવ ઘણા સપ્તાહથી મણે સરેરાશ 4 થી 5 હજાર વચ્ચે અથડાતા રહયા છે
મસાલા પાક જીરુંનું વાવેતર ઓણ સાલ ગત વર્ષની સરખામણીમાં 1 લાખ હેકટર જેટલું ઓછું છે. રવિ સિઝનમાં ઠંડીની સિઝન મોડી શરુ થતા વળી માવજત પાછળ થતા ખર્ચની સરખામણીમાં ભાવ ઓછા મળવાથી જીંરુનો વાવેતર વિસ્તાર ગુજરાતમાં ઘટયો છે. ચોમાસાની સિઝન પ્રમાણમાં લાંબી અને ભારે વરસાદવાળી રહેવાથી દિવાળી પછી જમીનમાં રહેલા કુદરતી ભેજનો લાભ લેવા માટે ચણા અને ઘઉં જેવા સલામત પાકોના વાવેતર પર ખેડૂતોએ વધારે ભાર મુકયો છે. જે ખેડૂતોએ જીંરાનું વાવેતર કર્યુ છે તેવો અત્ચારથી જ ભાવ કેટલા રહેશે તેનો વિચાર કરતા હોય એ સ્વભાવિક છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા સમયમાં જીરુના ભાવનો આધાર વિદેશમાં ખાસ કરીને આરબ દેશોની માંગ પર રહેલો છે. ભારતથી આરબ દેશોમાં જીરાની નિકાસ થતી હોય છે.
ઔષધિય ગુણો ધરાવતા આ મસાલા પાકની સારી એવી ડિમાંડ રહેતી હોય છે. દેશમાં જીરુંનો પાક ગત વર્ષ 1 કરોડ કરતા પણ વધારે બોરી થયો હતો જેમાંથી વધુ ભાવની આશાએ 30 થી 40 લાખ જેટલો માલ ખેડૂતોએ સારા ભાવની આશાએ પકડી રાખ્યો છે. જીંરુના કોથળા ભરીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જો કે ખેતીકાર્યોમાં નાણાની જરુર પડતી જાય છે તેમ ખેડૂતો જીરાનો પાક બજારમાં વેચવા કાઢતા હોય છે. જીરુના ભાવ ઘણા સપ્તાહથી મણે સરેરાશ 4 થી 5 હજાર વચ્ચે અથડાતા રહયા છે પરંતુ ખેડૂતો મોટા કરન્ટની આશા રાખી રહયા છે. નિષ્ણાતોનું માનવું છે કે 25 થી 30 લાખ જેટલો જુનો સ્ટોક છે તે જોતા વર્તમાન સિઝનમાં જીરુંના પાકનું વાવેતર ઓછું થયું હોવા છતાં સ્ટોક જળવાઇ રહેશે તેમ જણાય છે આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના જીરુંની મોટી માંગ ઉભી થાય તેવા સંજોગોમાં જ જીંરાના ભાવમાં આગામી સમયમાં મોટો ઉછાળો આવી શકે છે. રમઝાન મહિનામાં આરબ દેશોમાં નિકાસ વધે તો થોડીક તેજી શકય બનશે.