ખેડૂતોની આવક વધારવા સરકારે 7 નવી યોજના જાહેર કરી
રૂપિયા 13966 કરોડની જોગવાઈ સાથે કેન્દ્ર સરકારે દેશમાં કૃષિ તથા સંલગ્ન પ્રવૃત્તિઓના વિકાસ મારફત ખેડૂતોને રાહત પૂરી પાડવા સાત સ્કીમનું એક વિસ્તૃત પેકેજ જાહેર કર્યું છે. આ પહેલ કરવા પાછળનો હેતુ ખેડૂતોની આવક વધારી તેમના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. કલાયમેટ ચેન્જને કારણે કૃષિ ક્ષેત્ર સામે પડકારો ઊભા થઈ રહ્યા છે તેને જોતા આ સાત સ્કીમ્સ જાહેર કરીને સરકારે સમયસરની દરમિયાનગીરી કરી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
જાહેર કરાયેલી સ્કીમ્સમાં ડીજિટલ એગ્રિકલ્ચર મિશન સૌથી મહત્વની જણાઈ રહી છે. છેલ્લામાં છેલ્લી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ કરવા આ સ્કીમ્સ હેઠળ પ્રયાસ રહેશે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ તથા ડેટા એનાલિટિકસના ઉપયોગ મારફત ખેડૂતોની સંખ્યા, જમીન ધારણ, પાકની વાવણી ઉપરાંત પાક, જમીન તથા હવામાનની સંકલિત માહિતી તથા વિશ્વસ્નિય ડેટાબેસ તૈયાર કરાશે. આ ડીજિટલ માળખાના અમલથી ખેડૂતો માટેની વિવિધ સ્કીમ્સની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે અને ખેડૂતોને સમયસર ટેકો મળી રહેશે એટલું જ નહીં પ્રાપ્ત થનારા ડેટાને આધારે નીતિવિષયકો કૃષિ ક્ષેત્ર સામે ઊભા થનારા પડકારોને તાત્કાલિક હાથ ધરી શકશે.
અન્ય એક સ્કીમ અનાજ તથા પોષકતત્વની સલામતિ વધારવા માટેની છે. ભારત સહિત વિશ્વભરમાં કલાયમેટ ચેન્જની કૃષિ પાકો પર વધી રહેલી પ્રતિકૂળ અસર સામે રક્ષણઁ પૂરા પાડવાના આ સ્કીમ્સ મારફત પ્રયાસો હાથ ધરાશે. કૃષિ શિક્ષણ અને રિસર્ચ પર પણ સરકાર ભાર આપી રહી છે. કૃષિ વ્યવસાયીકોની હવે પછીની પેઢીને તૈયાર કરવા કૃષિ શિક્ષણને સમયને અનુરૂપ બનાવવાનું જરૂરી બની ગયું છે. કૃષિ ઉત્પાદનની ટકાવારીની દ્રષ્ટિએ કૃષિ સંશોધન તથા વિકાસ પાછળ ઘટી રહેલા ખર્ચ ચિંતાની બાબત છે. વૈશ્વિક સ્તરે કૃષિ સંશાધન તથા વિકાસ પાછળ થતાં ખર્ચની સરખામણીએ ભારતમાં આ ખર્ચનું પ્રમાણ નીચું હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
ખાધ્ય તેલને બાદ કરતા મોટાભાગની કૃષિ ઉપજો તથા ખાધાખોરાકી માટે ભારત અત્યારસુધી સ્વાવલંબી હતું પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતે કઠોળની પણ આયાત કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં પણ કૃષિ ઉત્પાદન વધારવા અથવા તો તેમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવા કૃષિ પાછળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) ખર્ચ જરૂરિયાત પ્રમાણે થતો નહીં હોવાનું કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ પરથી કહી શકાય એમ છે.
તજજ્ઞાોની વાત માનીએ તો કલાયમેટ ચેન્જની સ્થિતિમાં કૃષિ તથા ખાધાખોરાકીમાં સ્વાવલંબન જાળવી રાખવું હશે તો, કૃષિ આરએન્ડ ડી પેટેના ખર્ચમાં સતત વધારો થતો રહેવો જરૂરી છે. આરએન્ડડી મારફત ઉત્પાદકતા ઉપરાંત સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેન ખાતેથી ખાધ્ય તેલનો પૂરવઠો અટકી પડતા સ્થાનિક બજારમાં ભાવ તાજેતરના ભૂતકાળમાં ઊંચે ગયાનું જોવા મળ્યું હતું. વિશ્વમાં ભારત ખાધ્ય તેલનો મોટો આયાતકાર દેશ છે. અત્યારસુધી ભારત કૃષિ પેદાશોનો ભલે નિકાસકાર દેશ રહ્યો હોય, પરંતુ ખાધ્ય તેલની વપરાશના 60 ટકા સુધીની આયાત ચિંતાનો વિષય છે. વર્તમાન સંપૂર્ણ ઓઈલ યરમાં ખાધ્ય તેલોની એકંદર આયાત 160થી 165 લાખ ટન્સ સાથે લગભગ ગયા વર્ષના સ્તરે જ જોવા મળવા સંભવ હોવાનું તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
સ્વતંત્રતાના 77 વર્ષ પછી પણ આપણે કેટલાક કઠોળની આયાત કરવાની ફરજ પડે છે. ખાતર સબસિડી, વીજ સબસિડી વગેરે પાછળ ખર્ચાતા નાણાંની સરખામણીએ આરએન્ડડી પાછળ ખર્ચાતા રૂપિયા વળતરદાયીસાબિત થઈ શકે છે. ભારતમાં રાજકીય પક્ષો સત્તા ટકાવી રાખવા કૃષિ સબસિડી, મનરેગા વગેરે જેવા લોકપ્રિય પગલાં જાહેર કરતા રહે છે, જેને પરિણામે આરએન્ડડી પાછળ સ્રોતોની મોટી ફાળવણી થઈ શકતી નથી એ એક હકીકત છે. ઓછા ખર્ચ સાથે ઉત્પાદન વધારવા કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પાછળ મોટા મૂડીરોકાણની આજે આવશ્યકતા છે. ઊંચા તાપમાનની અસરોને ધ્યાનમાં રાખતા ખેતીની પરંપરાગત પદ્ધતિને ભૂલી જઈ આરએન્ડડી આધારિત ખેતીનો પ્રચાર કરવાનો અને ખેડૂતોને તેનું મહત્વ સમજાવવાનું રહેશે.
હીટવેવને કારણે કૃષિ પાકોને થતા નુકસાન ચિંતાની બાબત બની ગઈ છે, ત્યારે પાકોના થતાં બગાડને અટકાવવા માટે ગ્રામ્ય કૃષિ માળખા, સંસ્થાકીય ધિરાણ, રિસર્ચ તથા કૃષિ પાકોમાં વિવિધતા થકી કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની આવશ્યકતા પર કૃષિ તજજ્ઞાો ભાર આપી રહ્યા છે.
આ વર્ષે સરકારે ઘઉં-ચોખા ઉપરાંત શ્રીઅન્ન-મિલેટની ખરીદી પર પણ વિશેષ લક્ષ આપવાનું નક્કી કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. દરમિયાન, 2023-24ની ખરીફ મોસમ માટેની ચોખાની સરકારી ખરીદી જૂનના અંતે પુરી થઈ ગઈ છે તથા આ ગાળામાં આવી ખરીદી 6થી 7 ટકા ઘટી છે જે તે પૂર્વના પાછલા વર્ષમાં 495થી 496 લાખ ટન થઈ હતી.