ગુજરાતમાં અનેક શહેરમાં ગાજવીજ સાથે વરસાદ, કપાસ-મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદ વરસતા કપાસ, મગફળી, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હોય તેવા દૃશ્યો સર્જાયા. ભાવનગરના ગારીયાધાર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસર હાલ રાજ્યમાં જોવા મળી રહી આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ગારીયાધારના પાચ્છેગામ, ગણેશ ગાઢ, પાલડી, રૂપાવાતી, પર્વડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
હાલ રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે.