પશુપાલકો ચેતી જજો! પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો ખોઈ બેસશો

પશુપાલકો ચેતી જજો! પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો ખોઈ બેસશો
  • આ રોગથી પશુ મરતુ નથી પરંતુ પશુપાલક આર્થિક પાયમાલીમાં ચાલ્યો જશે
  • ખરવાની રસી મળવાથી દૂધાળા પશુને લાભ જ લાભ, આડઅસર અંગે ફેલાતી ભ્રમણાથી દૂર રહો

મહેસાણા: મહેસાણા જિલ્લો પશુપાલન વ્યવસાયમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એશિયામાં દૂધ સાગર ડેરીનું નામ રોશન કરવામાં મહેસાણા જિલ્લાના લાખો પશુઓ અને તેમના પશુપાલકોને શ્રેય જાય છે. જિલ્લામાં સૌથી વધુ દૂધાળા પશુમાં ભેંસ તેમજ ગાયનો ઉછેર થાય છે. જોકે, પશુપાલન વ્યવસાયમાં વધુ શ્રમના લીધે યુવાનો આ વ્યવસાયથી દૂર જઈ રહ્યા છે પરંતુ જો યોગ્ય માર્ગદર્શન અને પશુ નિભાવણીની ક્ષમતા કેળવી લેવાય તો પશુપાલન વ્યવસાય ઉત્તમ આર્થિક લાભ આપે છે.

માર્ગદર્શનની વાત થઈ છે તો પશુને થતા ખરવાના રોગથી પશુપાલકોમાં ડર વધુ જોવા મળે છે, હાલમાં મહેસાણા જિલ્લાના 6.49 લાખ પશુઓને ફ્રીમાં ખરવાની રસી આપવામાં આવી રહી છે. આ અંગે મહેસાણા તાલુકા પશુપાલન અધિકારી ડૉ.ચેતનભાઈએ ખરવાના રોગ અંગેની હકીકત અને અફવાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. જે પશુપાલકો માટે લાભદાયી નિવડે તેમ છે.

ખરવા-મોવાસા રોગ અને નુકસાન
સાદી ભાષામાં કહીએ તો ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. રોગની પશુ ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. પશુને તાવ ચડે, મોઢામાંથી ખૂબ લાશ પડે, જીભ, તાળવા તથા મોઢા-હોઠના અંદરના ભાગે ફોલ્લાં પડવા, પગની ખરીઓ વચ્ચે ચાંદા પડવા જેવા લક્ષણો જોવા મળે છે. જેનાથી દૂધાળા ગાય-ભેંસની 25થી 60 ટકા સુધી દૂધ ઉત્પાદનશક્તિ ઘટે છે. ગાંભણ પશુ તરવાઈ જાય, દવાનો ખર્ચ વધે, પશુના પ્રજનન શક્તિ પર અસર થાય છે. આમ, એક વખત રોગ થાય પછી ખરવાની રસીની કોઈ અસર થતી નથી. જેથી પશુપાલન વિભાગ દ્વારા દર છ મહિને ફ્રીમાં રસીકરણ કરવામાં આવે છે.

ખરવાની રસી અંગે ફેલાતી અફવા
ડૉ.ચેતનભાઈએ જણાવ્યું કે, ખરવાની રસી આપવાથી આડઅસર થવા અંગે પશુપાલકોમાં ડર રહે છે. જોકે, ખરવાની રસીથી પશુને આડઅસર થતી નથી, પરંતુ રસી આપ્યા બાદ પશુને તાવ આવવો તથા દૂધ ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો થાય છે. પરંતુ આ સામાન્ય બાબત છે જે બે દિવસ પુરતી હોય છે. પરંતુ પશુપાલકો યોગ્ય માર્ગદર્શનના અભાવે અફવામાં આવી જાય છે અને ખરવાની રસી મુકાવતા નથી. જ્યારે રસીકરણ પછી તાવ તથા દૂધ ઘટવું એ પશુમાં બે દિવસ પુરતી ક્રિયા છે. જે બાદ તેમનું પશુ અગાઉની જેમ દૂધ આપે છે અને તાવ પણ મટી જાય છે. પશુપાલકોએ ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબત એ છે કે, એક વખત ખરવા રોગ થયો પછી રસીકરણ થતું નથી અને તેની અસર પણ થતી નથી, બાદમાં પશુને રિકવર કરી શકવું મુશ્કેલ છે માટે રસીકરણની અફવાથી દૂર રહી પશુને રસી અપાવવી જોઈએ. જેનાથી પશુપાલકને વધુ નુકશાન થતું અટકાવી શકાય.

ઘરેલુ ઉપચાર અને રસીકરણનો ખર્ચ
જો પશુને ખરવાનો રોગ થાય તો ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. જેમાં માખણ કે તેલવાણી રોટલી ખવડાવામાં આવે છે. જેનાથી રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. નહી તો ખરવાની રસી આપવી હિતાવહ છે. પશુપાલન વિભાગ દ્વારા દર 6 મહિને આ રસી ફ્રીમાં આપવામાં આવે છે. જો કોઈ પશુપાલક પોતાના પશુને રસી અપાવવા ખાનગી હોસ્પિટલ કે બાદમાં અપાવવા જાય તો તેને 4 થી 5 હજાર રૂપિયા ખરવાની રસીના આપવા પડે છે. હાલમાં મહેસાણા જિલ્લાના 6.49 લાખ જેટલા પશુઓ છે જેમને ખરવાની રસી આપવાનું અભિયાન પશુપાલન વિભાગ દ્વારા ચાલી રહ્યું છે.

ખરવા – મોવાસા રોગનો ઘરેલું ઉપચાર
ખરવા – મોવાસા રોગના નિયંત્રણ માટે ઘરેલું ઉપચાર શક્ય છે. આ ઘરેલું ઉપચાર એનડીડીબીના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ક્યાં – ક્યાં અને કેટલા પ્રમાણમાં વસ્તુનો ઉપયોગ કરવો અને કેવી રીતે વાપરવાથી આ રોગનું નિદાન કરી શકાય છે. જુઓ આ વીડિયો.

 

CATEGORIES
TAGS
Share This