બોટાદના પાટણા ગામની મહિલાઓ સખી મંડળ થકી કરી રહી છે અઢળક કમાણી
- બોટાદ જિલ્લામાં 1700થી વધુ સખીમંડળો સુકાર્યરત
બોટાદ: નારી તું નારાયણી, તું જ સ્વર્ગનો દ્વાર.. ઉક્તિ ખરેખર સ્ત્રીશક્તિને લાગુ પડે છે. આજના આ યુગમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વિવિધ યોજનાઓ થકી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેઓ આત્મનિર્ભર બને તેવા અવિરત પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. સાથે સાથે મહિલાઓ પણ આવી યોજનાઓના લાભ લઈને પોતાની સર્જનાત્મક પ્રતિભાનો ઉપયોગ કરીને સક્ષમ અને સબળ બની રહી છે.
મહિલાઓ હવે ઘરકામ કરવાની સાથે સાથે સખી મંડળ દ્વારા ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, હાથ વણાંટ તેમજ નર્સરી સહિતની કામગીરી થકી કમાણી કરી રહી છે. અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે, તેનું જીવંત ઉદાહરણ છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પાટણા ગામના રૂપાબેન!
થોડા સમય પહેલા રૂપાબેનના સાસુને કેન્સર જેવી જીવલેણ બિમારી થઈ હતી. પરંતુ રૂપાબેને હિંમત હાર્યા વિના તેમના સાસુની સારવાર કરાવી…અને તે પણ સખીમંડળ થકી પોતે કમાયેલા પૈસાની મદદથી… તો આવો જાણીએ રૂપાબેનની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં…
રૂપાબેને જણાવ્યું હતું કે, “ભગવતી સખી મંડળ નામના અમારા આ જૂથમાં અમે 10 બહેનો છીએ. અમે 50-50 રૂપીયાનું બજેટ કરીએ છીએ. સહાય રૂપે અમને 12,000 રૂપીયા મળ્યા હતાં, અને 12,000 અમારી પાસે હતાં. આવી રીતે અમે નર્સરી ચાલુ કરી. જેમાં અમારા જૂથની દરેક બહેનો બિયારણ અને રોપા વાવવા, રોપાની થેલીઓ ભરવી સહિતની કામગીરી કરી રહી છે. વધુમાં તેઓ જણાવે છે કે, “10 બહેનોની કામગીરીથી આંબા, ચીકુ, સીતાફળ, ગુલાબ, મોગરા સહિતના રોપા અને ફુલનું વેચાણ કરીને માત્ર 4 મહિનામાં અમે 2થી 2.50 લાખની આવક મેળવી છે. જેથી અમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવ્યો છે.” આ તકે રૂપાબેને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગઢડા તાલુકા લાઇવલી હુડ મેનેજર તરીકે ફરજ બજાવતા વસંતબેન કુકડીયા એ કહ્યું કે, “પાટણા ગામમાં ભગવતી સખી મંડળની બહેનોને સહાય મળતા તેઓએ મોટી નર્સરી શરૂ કરી છે, બહેનો નર્સરીની અંદર અલગ અલગ પ્રકારના રોપાઓનું વેચાણ કરી રહી છે. આ આવકથી સખીમંડળની બહેનો પોતાનો ખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, અન્ય મેડિકલ ખર્ચાઓની ભરપાઈ કરી શકે છે જેના કારણે બહેનોને અન્ય કોઈ જગ્યાએ મજૂરીએ જવાની જરૂર રહેતી નથી, બહેનો પોતાની રીતે જ નાનો વ્યવસાય શરૂ કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવી રહી છે.”
જણાવી દઇએ કે બોટાદ જિલ્લામાં 1700થી વધુ સખીમંડળો સુકાર્યરત છે. જેના થકી હજારો મહિલાઓ આજે પગભર બની છે.