જીરુંના કોથળા ભરાય અને સારા ભાવ પણ મળે એવી ખેડૂતોને આશા

જીરું પાકની આવકો બજારમાં ધીમે ધીમે આવવા લાગી છે, જે ખેડૂતોએ દિવાળી પછી તરત જ ઠંડીની રાહ જોયા વિના વાવેતર કર્યા હતા તેમના ખેતરમાં જીંરુ પાકવાની અણી પર છે, આગામી બે થી ત્રણ સપ્તાહમાં જો હવામાન સારુ રહેશે અને માવઠાની કોઇ આફત નહી નડે તો ખેતરોમાં ઉભા પાક જોતા વિઘા દીઠ સારું ઉત્પાદન મળી શકે તેમ છે. જીરુનો પાક પીળો થઇને તપખીરિયા રંગ જેવો થવા લાગતા જ પાક લેવાની તૈયારીઓ શરુ થતી હોય છે. શિવરાત્રીથી શરુ કરીને હોળી સુધીમાં જીરુંના કોથળા ભરવા લાગશે. ખેડૂતોએ ખૂબ મહેનત કરીને જોખમી પાક જીરુંનું વાવેતર કર્યુ હોવાથી સારા પોષણક્ષમ ભાવોની અપેક્ષા હોય તે સ્વભાવિક છે. માર્કેટના સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં જીંરુનો વાવેતર વિસ્તાર 90 હજારથી 1 લાખ હેકટર જેટલો ઘટયો છે પરંતુ પાકની સ્થિતિ અને હવામાન સારુ હોવાથી ઉત્પાદન પણ સારુ મળશે એવી ધારણા છે.
ગત વર્ષનો જુનો સ્ટોક પણ સ્ટોકિસ્ટો પાસે સંગ્રહ થયેલો છે તેમાં નવા ઉત્પાદનનો ઉમેરો થશે. આવી પરિસ્થિતિમાં જો મજબૂત નિકાસ ઓર્ડર મળે તો જીરુંના ભાવમાં ઉછળો આવી શકે છે પરંતુ તેની શકયતા હાલ પુરતી નહી હોવાથી જીંરુના ભાવ સ્થિર જળવાઇ રહયા છે. ઘણા સમયથી 20 કિલો જીરુંનો ભાવ 4000 થી 4400 જેટલો ચાલે છે. જીંરુનો પાક ખેતરમાં લહેરાઇ રહયો હતો ત્યારે રમઝાન મહિનાની નિકાસમાંગ આરબ દેશોમાં ઉભી થઇ હતી પરંતુ આ માંગ હવે પુરી થઇ જતા જીંરુનો સંભવિત સારો સ્ટોક આવવાની ગણતરી જોતા ભાવ સ્થિર જળવાઇ રહે અથવા તો ઘટી પણ શકે છે. બે વર્ષ પહેલા જીંરુની આંતરરાષ્ટ્રીય માંગમાં અસાધારણ ઉછાળો આવતા એક મણના ભાવ 12000 સુધી પહોંચ્યા હતા. કોઇ પણ મસાલા પાક કરતા જીંરુના ભાવમાં ભાવનો ઉંચો ઉછાળો હોવાથી ખેડૂતો જીરાના વાવેતર તરફ વળ્યા હતા. ગત વર્ષ પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ જીરાનું ઉત્પાદન સારુ થવાથી ભાવ બેઠેલા રહયા હતા. આ વર્ષે ખેડૂતોએ સારા ઉત્પાદન અને ભાવની આશાએ પાકની માવજત અને ઉત્પાદન પાછળ ખૂબ ખર્ચ કર્યો હોવાથી સારા ભાવ મળે તે જરુરી છે.