તલોદ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખેડૂતોને કૃષિ જણસોના નાણા રોકડા નહીં આપતા હોબાળો

તલોદ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખેડૂતોને કૃષિ જણસોના નાણા રોકડા નહીં આપતા હોબાળો
  • થોડી મિનિટો માટે હરાજી સ્થગિત કરવાની ફરજ પડી
  • માર્કેટ સમિતિએ ખેડૂતોને હકીકત સમજાવી ગણતરીની મિનિટોમાં હરાજીનું કામ રાબેતા મુજબ ચાલુ કરાવ્યું હતું

તલોદ | ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટયાર્ડ માં આજે ખેત ઉત્પાદનોના વેચાણ માટે આવેલ ખેડૂતો એ તેઓને વેપારી તરફથી માલના રોકડા નાણાં નહીં ચૂકવાય તેમ જાણતા હંગામો મચાવીને રોકડા નાણાં જ મળે તેવી રાવ નાંખી હતી. થોડીક વાર માટે હરાજીની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે ખેડૂતોને યાર્ડ સમિતિના ચેરમેન સંજય પટેલ અને અન્ય હોદ્દેદારો એ વેપારીઓની સાચી સમસ્યા બાબતે જાણકારી આપતા ગણતરીની મિનિટોજ મામલો થાળે પડી ગયો હતો અને હરાજીની કામગીરી ચાલુ થઈ ગઈ હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,રાજ્ય ભરના માર્કેટ યાર્ડોમાં તલોદ માર્કેટયાર્ડ રોકડા નાણાં ચૂકવીને ખેડૂતોના ખેત ઉત્પાદનો ખરીદે છે. આ પરંપરાને કારણે તલોદ માર્કેટ યાર્ડ રાજ્યના 225 માર્કેટ યાર્ડોની યાદીમાં તે બાબતે અગ્રીમ હરોળમાં રહ્યું છે અને તેથી કરીને ખેડૂતોનો વિશ્વાસ પણ સંપાદન કરેલ છે.

વહીવટી તંત્ર દ્વારા સિસ્ટમ માં કેટલાક ધરખમ ફેરફારો કરવામાં આવતા સહજ ભાવે આંતરિક ઘર્ષણ નાહક ના વધી રહ્યા છે. રાજ્ય ભરના માર્કેટયાર્ડ માં વેપાર કરતા વેપારી પેઢીઓ ના લાયસન્સ હવેથી સ્થાનિક યાર્ડ સમિતિ તરફથી ઇસ્યૂ ને બદલે તે સિસ્ટમમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવેલ છે. જે યુનિફાઇડ લાયસન્સ હવેથી જે તે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે.

જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મેળવેલ લાયસન્સ દ્વારા વેપારી રાજ્યના કોઇપણ માર્કેટ યાર્ડમાં જઇ ખરીદ કરી શકે છે. આ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકના હુકમથી આમૂલ ફેરફાર કરવામાં આવેલ છે. જે મનાતી જટિલ પ્રક્રિયાને કારણે સહજ ભાવે વેપારી આલમ ભારે આપદા વેઠવા મજબૂર બનેલ છે.

આ નવા કરેલ ફેરફાર મુજબ હવેથી માર્કેટ યાર્ડની તમામ વેપારી પેઢીઓને માટે એક પરિપત્ર પણ નિયામક એ જાહેર કરી દીધેલ છે. જે પરિપત્ર 15/20 દિવસ પહેલા કર્યો હોત તો વેપારીઓને આંશિક રાહત મળી હોત. (જે તાજેતરમાં કરવામાં આવેલ છે.) જેમાં લાયસન્સી વેપારી પેઢીએ સોલવંસી લેવાનું અને રૂ.10 હજારની બેંક ગેરંટી આપવાનું ફરિજયાત કરેલ છે. જે અન્વયે મળેલ લાયસન્સ વેપારી પેઢી પાસે હોય અને તે રજૂ કરવામાં આવે તો તે આધારે બેંક માંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા માં સરળતા રહે તેમ છે. જેમાં કોઈ કર કપાત થતી નથી.

નોંધનીય છે કે, માર્કેટ યાર્ડની વેપારી પેઢી બેંકમાંથી વર્ષે કુલ રૂ.20 લાખથી વધુ નાણાં ઉપાડે તો તેના ઉપરની રકમ ઉપર તેને 2 ટકા ટીડીએસ ચૂકવવાની નોબત આવે. તેના અમલ બેન્કોએ શરૂ પણ કરી પણ દીધેલ છે. જે કપાત બેંકની ઑટો સિસ્ટમ દ્વારા થઈ જતી હોવાથી જો તે ચાલુ રહે તો વેપારી પેઢીઓના ખિસ્સામાંથી સરકાર નાહકના લાખો/ કરોડો ખંખેરી લે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જેની અસર વેપાર અને ખેત ઉત્પાદકો પર પણ પડે તેમ ભાસી રહ્યું છે.

તલોદ માર્કેટ યાર્ડમાં પ્રતિદિન લાખો કરોડોની વહીવટી લેવડ દેવડ (ટ્રાન્ઝેક્શન) થતી હોય છે. ત્યારે 2 ટકા ટીડીએસ નાહકનું વેપારી શા માટે ભોગવે ? તેઓ એક વ્યાજબી સવાલ પેદા થયો છે. આમ આ ધારાધોરણસર વેપારી પેઢીઓ હાલ પૂરતા નાણાં બેકોમાંથી ઉપાડી શકે તેમજ નથી..પરિણામે તે ખેડૂતો ને રોકડા નાણાં હાલ ચૂકવી શકે તેમજ નથી.

ડોક્યુમેન્ટમાં ફેરફારની પ્રક્રિયા પૂરી કરીને, લાયન્સ મેળવી તે રજૂ કરવાથી જ વેપારીને જોઈએ તેટલા નાણાં ટીડીએસની કપાત વિના ઉપાડવા મળે તેવી એક આખી વ્યવસ્થા છે.

બીજી તરફ આ જટિલ ભાસતી પ્રક્રિયામાં સામાન્ય રીતે 10 દિવસનો સમય ગાળો પસાર થાય તેવી ગોઠવાયેલી સિસ્ટમ છે. જેમાં 5 દિવસનો ગાળો મામલતદાર કચેરીમાં અને 5 દિવસનો ગાળો તલાટી કચેરીમાં વેડફાઈ જાય તેવી આખી સિસ્ટમ છે તલોદ મામલતદાર શિલ્પા બહેન જોષીએ યાર્ડ સમિતિ અને વેપારીઓની રજૂઆતને અંતે શક્ય તેટલી ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરી આપવા હૈયા ધારણ આપેલ છે.

તલોદ યાર્ડ સમિતિએ વેપારી પેઢીઓને આગામી તા.25/4/25 સુધીમાં લાયસન્સ બાબતની ધારા ધોરણસરની પ્રક્રિયા પૂરી કરી દેવા જણાવી દઈને ત્યારબાદ ખેડૂતોનો માલ રોકડા નાણાં થકીજ ખરીદવા પણ ભલામણ કરેલ છે.

એક દિવસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઇ
આ જટિલ પ્રકારની સમસ્યામાંથી કોઈ સરળ ઉકેલ આવેંતે માટે સાબરકાંઠા/ અરવલ્લી જિલ્લા ગ્રેઇન મરચંટ એસો.પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાના મૂડમાં હોવાનું પણ મનાય છે. આજે તલોદ માર્કેટ યાર્ડમાં આવેલ ખેડૂતોને આજના દિવસ માટેજ તેમના વેચાણ કરેલ માલની રકમના પેમેન્ટ પૈકી રૂ.10 હજાર રોકડા અને બાકીની ઉપરની રકમનો ચેક આપવાનું આયોજન સૌના સધિયારા પ્રયાસથી ગોઠવવામાં આવ્યું હતું.

પેઢી કે વેપારી દેવુ નહીં ચુકવે તો જવાબદારી જામીનદારોની રહેશે
માર્કેટના વેપારી ઓને નવા લાયસન્સ લેવા માટે 1 હજારના સોલવંસી સર્ટી, રૂ.10 હજારની બેંક ગેરંટી અને 2 જામીન ફરજિયાત કરેલ છે. જામીન થનાર 2 વ્યક્તિ પાસેથી સરકાર લખાવી લેશે કે, જો આ વેપારી પેઢી કોઈ કારણસર માર્કેટનું કે, ખેડૂતનું દેવું નહીં ચૂકવે તો તે ચૂકવવાની જવાબદારી બંને જામીનોની રહેશે.

CATEGORIES
TAGS
Share This